CM ભૂપેન્દ્ર પટેલ  જવાન મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ પાઠવશે

અમદાવાદઃ શહેરના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. જમ્મુ કશ્મીરમાં અથડામણમાં શહીદ થયેલા અમદાવાદના જવાન મહિપાલસિંહ વાળાને મુખ્ય મંત્રી શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે અને પરિવારજનોને પણ સાંત્વના આપશે. તેઓ વિરાટનગર નિવાસસ્થાને મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે પહોંચશે.

મહિપાલસિંહનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. જ્યાંથી મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લાવવામાં આવ્યો હતો. જ્યાં શહીદ જવાનના સ્વજનો આવી પહોંચ્યા હતા. તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે. તેમની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી થોડા દિવસોમાં જ તેઓ પિતા બનવાના હતા. શહીદ મહિપાલસિંહ વાળાના વતનથી સમાજના અગ્રણીઓ અને લોકો અમદાવાદ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મહિપાલસિંહને વિરાંજલી આપવાની સાથે તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવશે. ત્યારે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુખ્યમંત્રી સાથે જોડાશે.  પોલીસ અધિકારીઓ પણ વિરાટનગરમાં પહોંચ્યા છે.

મહિપાલસિંહ વાળાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. મહિપાલસિંહના ફોટા સાથે ટી-શર્ટો પહેરી યુવાનો જોડાશે. વિરાટનગર કેનાલથી વિરાટનગર ચાર રસ્તા સુધી વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવી છે. વિરાટનગર રોડથી લીલાનગર સ્મશાન સુધી તેમની અંતિમયાત્રા નીકળશે. ત્યારે ઠેર-ઠેર શહીદ જવાનનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. આ પહેલાં થોડા સમય અગાઉ પણ આતંકવાદી હુમલામાં અમરાઈવાડી વિસ્તારના જવાન શહીદ થયા હતા. તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

શહીદ જવાન મહિપાલસિંહ વાળા વર્ષ 2016ની આસપાસ ભારતીય સૈન્યમાં જોડાયા હતા. મધ્ય પ્રદેશના જબલપુરમાં તેમણે એક વર્ષની ટ્રેનિંગ લીધી હતી. ત્યાર બાદ તેમનું ગૌહાટીમાં પોસ્ટિંગ થયું હતું. ત્યાં થોડાં વર્ષો ફરજ બજાવ્યા બાદ તેમનું ચંડીગઢમાં પોસ્ટિંગ થયું હતું. ચંડીગઢથી તેઓની છ મહિના પહેલાં જમ્મુ-કાશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી. 34 રાષ્ટ્રીય રાઈફલમાં તેઓનું પોસ્ટિંગ થયું હતું.

તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના નવ મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેમને ડિલિવરીનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક તરફ મહિપાલસિંહનાં પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આફત આવી પડી છે. મહિપાલસિંહનાં પરિવારજનમાં તેમની પત્ની, માતા, મોટા ભાઈ અને બે બહેનો છે.