દેશભરમાં જન્માષ્ટમીની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. નાના-મોટા સહુ કોઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવા આતુર છે. ત્યારે વાત કરવી છે ગુજરાતના એવા ગામની જ્યાં અનોખી રીતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થાય છે.
કાનુડો રમવાની અનોખી પરંપરા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ આમ તો નાનુ ગામ છે પરંતુ જન્માષ્ટમીની ઉજવણી માટે ગુજરાતભરમાં જાણીતું છે. આ ગામમાં કાનુડો રમાડવાની દાયકાઓ જૂની પરંપરા આજે પણ અવરિત છે. શહેરમાં રહેતા લોકો પણ કાનુડો રમાડવા માદરે વતન આવે છે. આ ગામે આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે.
જૂની પરંપરા પ્રમાણે આઠમની રાતે મહિલાઓ ગામના તળાવમાંથી માટી લાવી રાતના બાર વાગે કાનુડાની મૂર્તિ બનાવે છે. ત્યાર પછી એને જુદા-જુદા આભૂષણોથી અલંકૃત કરી સ્થાપન કરે છે. બીજા દિવસે સવારે એટલે કે નોમના દિવસે ગામની તમામ મહિલાઓ ગ્રામીણ વિસ્તારના ટ્રેડિશનલ પહેરવેશ પહેરી સાથે મળી દેશી ઢોલના તાલે કાનુડાના દેશી ગીત સાથે કાનુડો રમીને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરે છે.
ઢોલના તાલે ઝુમે છે મહિલાઓ
ગામની જે પણ દીકરીના લગ્ન થઈ ગયા હોય એ પરંપરા પ્રમાણે પોતાના સાસરેથી જન્માષ્ટમીના દિવસે પિયર કાનુડો રમવા આવે છે. બાળપણની સખીઓ સાથે મળીને દેશી ઢોલના તાલે કાનુડો રમે છે. આખી રાત અને દિવસ મહિલાઓ કાનુડો રમે છે. જેમાં મટકી ફોડના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. ગામના નાના બાળકને કનૈયો બનાવી એની પાસે મટકી ફોડવવામાં આવે છે.
મહિલાઓ જ્યારે આનંદ-ઉલ્લાસથી ઢોલના તાલે ઝુમતી હોય ત્યારે ગામના તમામ સમાજના ભાઈઓ સાથે મળીને ભોજન બનાવે છે. એટલું જ નહીં મહિલાઓને જમવાનું પીરસે પણ છે. જમ્યા બાદ થાળીઓ પણ ગામના યુવાનો જ સાફ કરે છે. આ અનોખી પરંપરામાં મહિલાને વિશેષ માન અપાય છે.
ગામના પુરુષો બનાવે છે રસોઈ
સુતવાડા ગામના સરપંચ શીવાભાઈ ઠાકોર ચિત્રલેખા.કોમને કહે છે, અમારા ગામમાં કાનુડો રમવાની પરંપરા વડલાઓ સમયથી ચાલી આવે છે. અમે પણ એ પ્રમાણે ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરીએ છીએ. બહારગામ રહેતા ગામવાસીઓ પણ આ ઉત્સવની ઉજવણી કરવા અને લાલાના જન્મના વધામણા કરવા વતન આવે છે. આખુ વર્ષ અમે જન્માષ્ટમીની રાહ જોઈએ છે. અમારા માટે આ ઉત્સવ ખુબ મહત્વનો છે. સૌ કોઈ સાથે મળીને આનંદ કરીને ભગવાનની ભક્તિમાં લીન થાય છે.
સામાન્ય રીતે શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી માત્ર એક દિવસ થતી હોય છે પરંતુ સુતવાડા ગામમાં કૃષ્ણોત્સવની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલે છે.