PMના આગમનને લઈ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ: આગામી 16 અને 17 સપ્ટેમ્બરના રોજ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બનવાના છે. આ દિવસે ગુજરાતમાં બે મોટા તહેવારો હોવાથી રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તારીખ 16 અને 17 ગણેસ વિસર્જન અને ઈદ પર્વની ઉજવણી થવાની છે. શહેરના કુલ 12000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને આ વખતે SRP અને બીજી ફોર્સ અન્ય રાજ્યમાં ચૂંટણી હોવાથી બહાર ગઈ છે.

મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગમનને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીનો GMDC ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અંદાજે અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દિવસે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઈદ-એ-મિલાદ નીકળવાના છે. આ જુલૂસ દરમિયાન પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ફાળવવામાં આવે છે. જેમાં મોટાભાગે એરપોર્ટ તરફ ઝોન ફોર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઝોન 2, ઝોન 3, ઝોન 5 અને 6માં સ્થાનિક પોલીસની સાથે અન્ય જગ્યાની પોલીસ પણ ફાળવવામાં આવશે. 17 સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન પણ થવાનું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસને પણ તે પ્રમાણે વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી છે અને તેમને પોતાની ફરજની ફાળવણી પણ કરી દેવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાને સિનિયર અધિકારીઓ દ્વારા મોનિટરિંગ અને વ્યવસ્થા સાથે જોડવામાં આવશે.

અમદાવાદ શહેરમાં અંદાજે 12,000 જેટલી પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે અને આ બે દિવસ તમામ પોલીસ શહેરમાં ખાસ બંદોબસ્તમાં હાજર રહેશે. શહેરમાં ચાર ડીસીપી અને ચાર એએસપી કક્ષાના અધિકારીઓ આ બે દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે. બીજી તરફ SRP અને અન્ય ફોર્સ હાલ અન્ય રાજ્યમાં છે અને રાજ્યમાં બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.