અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં છેક 1990થી સૌપ્રથમ વાર ગુજરાતી મતદારો પાસે ત્રીજા રાજકીય પક્ષને મત આપવા માટે વિકલ્પ હશે. છેલ્લાં 27 વર્ષથી મતદારો માટે મત આપવા માટે બે જ વિકલ્પ ભાજપ અને કોંગ્રેસ રહ્યા (અથવા મતદારોએ રાખ્યા છે) છે. 1995થી ભગવા પાર્ટી પાસે રાજ્યની સત્તા રહી છે, જેમાં ભાજપના પહેલા મુખ્ય પ્રધાન હતા કેશુભાઈ પટેલ.
1990ની ચૂંટણીમાં જનતા દળે 70 સીટો જીતી હતી અને ચીમનભાઈ પટેલે ભાજપ સાથે સહયોગ સાધીને મુખ્ય પ્રધાન તરીકે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં, ત્યારે ભાજપે 67 સીટો જીતી હતી. ત્યારે કેશુભાઈ પટેલ ઉપ મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યારે કોંગ્રેસ 33 સીટો મેળવી હતી.
જોકે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અને પાર્ટીઓએ રાજકીય ક્ષેત્રે પગદંડો જમાવવાના પ્રયાસ કર્યા હતા, પણ જેતે પાર્ટીઓ મતદારોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. શંકરસિંહ વાઘેલાએ 1995માં ચૂંટણી બાદ બળવો પોકાર્યો હતો અને 1996માં કોંગ્રેસની મદદથી સરકાર રચીને મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ 1998ની ચૂંટણીમાં વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી 168 ઉમેદવારોમાંથી માત્ર ચાર સીટો જીતી શકી હતી.
ત્યાર બાદ 2012માં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી નોખો ચોકો કર્યો હતો, જેમાં સુરેશ મહેતા અને ગોરધન ઝડફિયા જેવા દિગ્ગજો હતા, તેમ છતાં તેમની મત ટકાવારી માત્ર 3.63 ટકા હતી અને તેઓ બે સીટ જીતવામાં સફળ રહ્યા હતા.
આમ આદમી પાર્ટીએ સૌપ્રથમ વાર 2017માં દિલ્હીમાં સફળતાથી પોરસાઈને ગુજરાતમાં પગપેસારો કરવાના પ્રયાસ કર્યા હતા, પણ બધી 29 સીટો પર ચૂંટણી લડીને જમાનત પણ ગુમાવી હતી. આ સિવાય રાજ્યમાં બસપા, સપા, શિવસેના, NCP અને JDU પણ તેમના નસીબ અજમાવી ચૂકી છે, પણ એ પક્ષોને પણ સફળતા નથી મળી.