RTE અંતર્ગત દીકરાને શ્રેષ્ઠ સ્કૂલમાં એડમિશન મળ્યું

આણંદઃ રાજ્યનું પ્રત્યેક બાળક ભણે, અને તેને સારામાં સારું શિક્ષણ મળે એ માટે ગુજરાતમાં છેલ્લા બે દસક કરતાં વધુ સમયથી અભિનવ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ગરીબ-મધ્યમ પરિવારનાં બાળકો ખાનગી શાળામાં કોઈ પણ જાતની ફી ભર્યા વગર વિનામૂલ્યે સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે  દેશની સાથે ગુજરાતમાં પણ ‘‘રાઇટ ટુ એજયુકેશન એકટ’’ (RTE) અમલી બનાવવામાં આવ્યો છે. જેને કારણે ગુજરાતના ગરીબ-મધ્યમ વર્ગનાં અનેક બાળકો ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી વિનામૂલ્યે શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. આ તમામ બાળકોના શિક્ષણની ફી રાજ્ય સરકાર ચૂકવી રહી છે. આણંદના વિદ્યાનગરમાં રહેતા અને ATM મશીન મેઇનટેઇનન્સનાં કામ સાથે સંકળાયેલા માર્કન્ડ પારેખ ‘‘રાઇટ ટુ એજયુકેશન એક્ટ’’ અંતર્ગત તેમના દીકરાને આણંદની શ્રેષ્ઠ સ્કૂલો પૈકીની એક એવી આનંદાલય સ્કૂલમાં મળેલા એડમિશનની વાત કહેતાં ગળગળા બની જાય છે, આ વાત કહેતાં જ માર્કન્ડભાઈની આંખો હરખનાં અશ્રુથી છલકાઈ જાય છે. આ વાતને આગળ ધપાવતાં માર્કન્ડભાઈએ સગૌરવ કહે છે કે મારો દીકરો હોશિયાર છે, પરંતુ મારી આર્થિક સ્થિતિ એવી નહોતી કે હું એને આવી સારી સ્કૂલમાં ભણાવી શકું, પણ સરકારની આ યોજનાના કારણે મારા દીકરાને આટલી સારી સ્કૂલમાં એડમિશન મળ્યું. હવે તે ખૂબ પ્રગતિ કરી શકશે.

“રાઇટ ટુ એજયુકેશન” એકટને કારણે મારા દીકરાને જે સ્કૂલમાં એડમિશન મળ્યું છે. તે સ્કૂલની એક વર્ષની ફી જ રૂ. ૫૫,000 જેટલી છે, પરંતુ મારા દીકરાની ફી સરકાર ભરે છે. એટલે મારે ફી પેટે એક પણ રૂપિયો આપવો પડતો નથી. એટલું જ નહી પરંતુ અમારા દીકરાને RTE અંતર્ગત એડમિશન મળ્યું ત્યારથી થોડા-થોડા સમયે મુખ્ય મંત્રીના કાર્યાલયમાંથી પણ મને ફોન કરી પૂછવામાં આવે છે કે  તમારા દીકરાને RTE અંતર્ગત એડમિનશન મળ્યું છે તો કોઈ તકલીફ તો નથીને? તેમ જણાવતાં તેઓ વધુમાં ઉમેરે છે કે અમારા જેવા પરિવારના દીકરાને ભણાવવા માટે આ સરકાર આટલી બધી દરકાર રાખી રહી છે, એ બદલ હું મુખ્ય મંત્રી અને ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું.

આનંદાલય શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેજસ દેસાઈ તેમની શાળામાં RTE હેઠળ પ્રવેશ મેળવેલાં બાળકો અને તેમની શૈક્ષણિક પ્રગતિની વાત કરતાં કહે છે કે  અમારી શાળામાં ૨૦૧૭-૧૮ના વર્ષથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજની તારીખે RTE હેઠળ ૯૫ જેટલાં બાળકો અમારી શાળાના વિવિધ વર્ગોમાં અભ્યાસ કરી રહ્યાં છે. દર વર્ષે અમારી શાળામાં લગભગ ૨૦ થી ૨૫ જેટલા બાળકો સરકાર તરફથી ફાળવવામાં આવે છે.