ગાંધીનગર– ગાંધીનગર જિલ્લાના માણસા GIDCમાં આવેલી તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓને લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું હતું. બે દિવસ પહેલાં ગાંધીનગર જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા કરવામાં આવ્યાં હતાં, જ્યાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે કંપની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના બે દિવસ બાદ આજે ગુરુવારે ફરીથી દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું હતું.
ગુજરાતમાં હજી ખાતર કૌભાંડની શાહી સુકાઈ નથી ત્યાં નકલી બિયારણનો મામલો સામે આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના બનાવ સામે આવ્યાં છે. માણસા જીઆઇડીસીમાં ગુરુવારે તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યાં હતાં. કંપનીમાં બે દિવસ પહેલાં જ નકલી બિયારણને લઇને જિલ્લાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. આજે ફરીથી દરોડા દરમિયાન બિયારણના પેકિંગ ઉપર બેચ માર્ક સહિતની વિગતો જોવા મળી ન હતી. અધિકારીએ કહ્યું કે નકલી બિયારણ કહી ન શકાય પરંતુ જે નિયમ નક્કી કરવામાં આવ્યા છે તે નિયમનો અમલ કરવામાં આવ્યો નથી. જ્યારે અસલી છે કે નકલી તેના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયાં બાદ રીપોર્ટ આવશે ત્યાર બાદ વિગતો વધુ સ્પષ્ટ થશે.
આગામી દિવસોમાં ખેડૂતો સાથે છેતરપિંડી ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં નકલી બિયારણ બાબતે તપાસ કરવામાં આવશે, તેમ કૃષિવિભાગનું કહેવું હતું.