જૂનાગઢ વનવિભાગે ચંદનચોર ટોળીને ઝડપી, ફરાર ઈસમોને પકડવા શોધખોળ

જૂનાગઢ- જૂનાગઢ વનવિભાગની ડુંગર દક્ષિણ રેન્જના ડુંગરપુર રાઉન્ડમાં ગત માસમાં  અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચંદનના વૃક્ષોનું ગેરકાયદે ઉચ્છેદન કરી અને ચોરી કરવાનાં બે ગુના નોંધાયેલા હતા, જેની સઘન તપાસ દરમ્યાન વન વિભાગના આરએફઓ ડુંગર દક્ષિણ સાથે ફિલ્ડ સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતાં મધ્યપ્રદેશની ટોળકીને ઝડપી પાડી છે.
જેમાં ગુનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ૧૨ મહિલાઓ, કે જે મોટા ભાગની મધ્યપ્રદેશના કટની તથા પન્ના જિલ્લાના રહેવાસી છે, તેમની સઘન પૂછપરછ કરતા સમગ્ર ગુનાની મોડસ ઓપેરેન્ડી ખુલી પડી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ મહિલાઓને 30 મે, ૨૦૧૯ સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપી છે. ચંદનના વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરી અને ચોરી કરવાનાં બે ગુનામાં સંકળાયેલ અન્ય ઇસમોને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.