ગાંધીનગર: ગુજરાતમાં ચારે બાજું નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરમાં સૌથી પ્રીમિયમ ગરબાના નામે રૂ.15,000થી લઈ 25,000 રૂપિયાના ભાવે વેચાયેલા ‘The Sheriaffair’ના ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)-બજરંગદળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બજરંગદળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા, ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
મળતી માહિતી અનુસાર નવરાત્રિના બીજા દિવસે ગાંધનગરના એક પાર્ટી પ્લોટમાં 50થી 60 લોકોનું ટોળું આવ્યું હતું. ટોળા દ્વારા ગરબામાં જબરદસ્તી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગરબા આયોજકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ને સામાન્ય લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલ આ બાબતે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
સૂત્રો મુજબ, બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદને આ ગરબાના આયોજકમાં અન્ય ધર્મના લોકો પણ ભાગીદારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. બજરંગદળના કાર્યકર્તાઓ જ્યારે આ ગરબામાં તિલક વિધિ માટે ગયા ત્યારે હાજર સ્થાનિક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉગ્ર બોલાચાલી અને મામલો બિચકતાં પોલીસે લાઠી ચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જોકે આ સમગ્ર મામલાને દબાવી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.