ગુજરાતના દરિયા કિનારેથી અવારનાવાર નશીલા પદાર્થો મળતો હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ બુટલેગરોએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ગાંધીધામ નજીક દરિયાયી કાંઠેથી બાવળની જાળીમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી.