અમૃત મહોત્સવ અવસરે નૃત્ય-વીરાંગનાઓના જીવન-કાર્યની ભવ્ય પ્રસ્તુતિ

નવી દિલ્હી : આઝાદીના અમૃત મહોત્સવ અવસરે દેશની ચાર મહાન નૃત્ય-વીરાંગનાઓનાં જીવન અને તેમના સમયનું વર્ણન કરતી ભવ્ય પ્રસ્તુતિ હાલમાં જ નવી દિલ્હીના કામાની ઓડિટોરિયમમાં થઈ હતી. ‘નૃત્ય-વીરાંગના’ શીર્ષક હેઠળ ૧૭મીથી ૨૦મી સદી સુધી સમાજને બદલનાર ભારતીય મહિલા કલાકારો મુદુ પાલાણી, થાત્રી, મેડમ મેનકા અને રુક્મણિ દેવીની વાસ્તવિક જીવનની વાર્તાઓ પર આધારિત અનન્ય થીમ સૌપ્રથમ વાર રજૂ થઈ.

મૂળ ગુજરાતી એવાં વિશ્વવિખ્યાત ભારતીય નૃત્યાંગના, રાજ્યસભાનાં સંસદસભ્ય તથા કામાખ્યા ક્લાપીઠનાં સંચાલક પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ આ રાષ્ટ્રીય કાર્યક્રમનાં દિગ્દર્શક અને સૂત્રધાર હતાં. તેમણે જણાવ્યું હતું કે આઝાદીના ઇતિહાસમાં અનેક મહિલાઓનું પ્રદાન હાથે ઢાલ-તલવાર નહિ ધારણ કરવા છતાં સમાજ પરિવર્તન અને સાહસિકતાની દ્રષ્ટિએ વીરાંગનાઓ જેવું જ પ્રદાન રહ્યું છે. એવી નર્તકી વીરાંગનાઓમાં તેલગુભાષી કવયિત્રી મુદુ પાલાણીએ ‘રાધિકા સાન્ત્વનં’ મહાકાવ્ય દ્વારા મહિલા સમાનતાની બાબતને સમાજ સામે આણી હતી. જ્યારે કેરળમાં થાત્રીએ ‘આંતરિક વ્યક્તિ’ એટલે કે ‘અંતર્જનમ’ બની રહેવાની બેડીઓ તોડીને એક હિંમતવાન સ્ત્રી બનીને જેણે સમાજના વલણને બદલી નાખવાનું ક્રાંતિકારી કામ કર્યું હતું. ‘મેડમ મેનકા’ તરીકે જાણીતાં લીલા રોય સોખ નૌચ-દરબારી ઇમેજમાંથી કથક પરંપરાને સમૃદ્ધ કરીને એને વિશ્વ સમક્ષ લાવ્યાં હતાં. રુક્મણિ દેવી પોતાના વ્યક્તિગત ઉદાહરણ થકી નૃત્ય સામેના પૂર્વગ્રહના અવરોધોને તોડી નાખી અને નૃત્યમાં આધ્યાત્મિક સામગ્રી પુનઃસ્થાપિત કરનાર વીસમી સદીનાં એક મહાન નર્તકી હતાં.

આ ચાર મહાન નારી વિભૂતિઓના જીવનકાર્યને નૃત્યસંયોજન માધ્યમે લાવવામાં નૃત્ય સંયોજકો (કોરિયોગ્રાફર્સ) તરીકે ખ્યાતનામ નૃત્યગુરુઓ વનશ્રી રાવ, નીના પ્રસાદ, વાસ્વતી મિશ્રા અને પી.ટી. નરેન્દ્રને સેવા આપી હતી જેમણે અનુક્રમે કુચીપુડી, મોહિનીઅટ્ટમ, કથક અને ભરતનાટ્યમ નૃત્યનું અદભુત સંયોજન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ICCRના પ્રમુખ સાંસદ ડો. વિનય સહસ્રબુદ્ધે, શ્રીમતી મલ્લિકા નડ્ડા (BJP પ્રમુખ જે.પી. નડ્ડાનાં પત્ની), સંસ્કૃતિ તથા પર્યટન મંત્રાલયના સચિવ, દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને વિવિધ દેશોના રાજદૂતો ઉપસ્થિત હતા.