અમૂલના MD RS સોઢી રોડ અકસ્માતમાં ઘાયલ, હાલત સ્થિર

આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના MD અને ચેરમેન આર. એસ. સોઢીની કારને ગઈ કાલે સાંજે અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં તેઓ ઘાયલ થયા છે અને તેમને મામૂલી ઇજા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હાલ તેમની હાલત સ્થિર છે.

સોઢીને સારવાર માટે આણંદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કાર અકસ્માતમાં સોઢી અને તેમની કારના ડ્રાઇવરને સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માત આનંદ-બાકરોલ રોડ પર બન્યો હતો. તેઓ સાંજે આશરે નવ વાગ્યાની આસપાસ અમૂલ હેડ ક્વાર્ટરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોઢીનો ડ્રાઇવર એક સ્કૂટરચાલકને બચાવવા ગયો હતો, આ દરમિયાન તેમની કાર ડિવાડર સાથે અથડાઈને રોડ પર પલટી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે અકસ્માતમાં સ્કૂટરચાલકને પણ ઈજા પહોંચી છે. તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારની અંદર રહેલા સોઢી અને તેમના ડ્રાઇવરને બહાર કાઢ્યા હતા. બાદમાં સ્કૂટરચાલક સહિત ત્રણેય લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણેયને નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સોઢી કે તેના ડ્રાઇવરને ગંભીર કે મોટી ઈજા પહોંચી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમૂલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને અકસ્માત થયાની જાણ થતાં જ અમૂલના મોટા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનું કહેવું છે કે સ્કૂટરચાલકે અચાનક રસ્તો ક્રોસ કર્યો હોવાથી ડ્રાઇવરે તેને બચાવવા માટે ટર્ન લીધો હતો. જે દરમિયાન કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી.