મગોડીઃ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણાં વર્ષોથી લોકજરૂરિયાત આધારિત સામાજિક કાર્યો કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ઇન્ગરસોલ રેન્ડ અને ગાર્ડનર ડેનવરના CSR હેઠળ શિયાળાની ઠંડીમાં જરૂરિયાત વંચિત વડીલોને હૂંફ આપવાના આશયથી ધાબળા વિતરણનો કાર્યક્રમ રાહેલબા વૃદ્ધાશ્રમ-મગોડીમાં યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં ઉદગમના શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારીને ઉદગમ ટ્રસ્ટનાં કાર્યોની માહિતી આપી હતી. તેમણે વિશેષ વિવિધ સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ, માનસિક અને શારીરિક વિકાસ માટે કરવામાં આવતાં કાર્યોની માહિતી આપતાં જણાવ્યું હતું કે ઇન્ગરસોલ રેન્ડ અને ગાર્ડનર ડેનવરના CSR હેઠળ ૨૦૦ વડીલોને ધાબળા, ચાદર અને ઓશિકાનાં કવર આપવામાં આવશે. એ સાથોસાથ લગભગ આઠ વર્ષ પહેલાં રાહેલબા વૃદ્ધાશ્રમનાં સંચાલિકા નિર્મળાબહેનને ઉદગમ વુમન્સ એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલાં તે સમયને યાદ કરીને તેમની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ વડીલોને ધાબળા, ચાદર અને ઓશિકાનું કવર વિતરણ.
આ કાર્યક્રમના મહેમાનપદે પધારેલા ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલે ઉદગમનાં સેવા-કાર્યોને બિરદાવ્યાં હતાં અને વધુ ને વધુ સારી રીતે કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અતિથિ વિશેષપદે પધારેલા ઈંગરસોલ રેન્ડના વિશ્વાસ દેશમુખે ઉદગમનાં કાર્યોની પ્રશંસા કરતાં ભવિષ્યના દરેક કાર્ય માટે જરૂરિયાત મુજબ સહકારની ખાતરી આપી હતી. ત્યાર બાદ મહાનુભાવો અને ઇન્ગરસોલ રેન્ડ અને ગાર્ડનર ડેનવર ટીમના હસ્તે ધાબળા અને ચાદર, કવરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાનોમાં ઈંગરસોલ રેન્ડના આરતી જહાં તથા તેમના કર્મચારીઓની ટીમ સાથે ઉદગમ ટ્રસ્ટના મનોજભાઈ જોષી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એ સાથોસાથ મનોજભાઈ દ્વારા સંસ્થાને મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં. રાહેલબા વૃદ્ધાશ્રમનાં સંચાલિકા નિર્મળાબહેનની સાથે વડીલો વતી જોસેફભાઈએ પધારેલા મહાનુભાવો અને દાતાઓનો આભાર માન્યો હતો.