સૂરતઃ મહારાષ્ટ્ર પોલિસે કરેલી એક કાર્યવાહીમાં સૂરતના બિલ્ડરોની ધરપકડ કરવામાં આવી છે. લહેરીલાલા સૂરતીઓ મોજશોખ કરવા મુંબઈની વાટ પકડતાં હોય છે ત્યારે આ પ્રકારનો આ એક વધુ કિસ્સો બન્યો છે. મહારાષ્ટ્ર પોલિસે સૂરતના કુલ 22 લોકોની ધરપકડ કરી છે જેઓ રેવ પાર્ટી, અશ્લીલ ડાન્સ પાર્ટી કરી રહ્યાં હતાં. ધરપકડ કરાયેલાં લોકોમાં 9 બિલ્ડરો છે.
ભદ્રસમાજને આંચકો આપનારી પાર્ટી કરનારા તમામ 22 લોકોની ધરપકડ કરી જામીન પર હાલ છોડવામાં આવ્યાં છે.આ લોકોમાં સૂરતના નવ જેટલા બિલ્ડરો મહારાષ્ટ્રમાં આઠ જેટલી બાર ગર્લ્સ સાથે ઝડપાયાં છે. પાલઘરના અચ્છાડ ખાતે આવેલા ગ્રીન પાર્ક ક્લબ રિસોર્ટમાં તલાસરી પોલીસે કાર્યવાહી દરમિયાન તમામ લોકોની ધરપકડ કરી કરવામાં આવી હતી.
આ લોકો હોટલની બાજુમાં બંગલો ભાડે લઈને દારૂની પાર્ટી અને બાર ગર્લ્સ પર રૂપિયા ઉડાવવા આવતાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રીન પાર્ક હોટલ અને બંગલામાં બાર ગર્લ્સ લાવી અશ્લીલ કૃત્ય અને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અશ્લીલ પાર્ટીના આયોજક ભીલાડના નિપમ શાહ અને તેના સાગરીત હસન ખાનની પણ પોલિસે ધરપકડ કરી છે. હોટલ અને બંગલા ખાતે રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળ્યાં બાદ પોલિસે અહીં દરોડાં પાડ્યાં હતાં.