ગીરગઢડા- રેલવે તંત્ર દ્વારા એક માસ સુધી ગીરગઢડા રુટની કુલ 8 ટ્રેન બંધ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકના ધોવાણને લઇને ટ્રેનો બંધ કરવામાં આવી છે. જ્યાં નુકસાન નથી તે સહિતની તમામ 8 ટ્રેન એક મહિના સુધી બંધ કરવામાં આવતાં વિસ્તારના રેલવે પ્રવાસીઓની અસુવિધાનો પાર નથી.ગીરગઢડાના નજીકનો રેલવે ટ્રેક ધોવાતાં તંત્ર દ્વારા એક માસ સુધી આ રૂટની તમામ આઠ ટ્રેન બંધ કરી દેવામાં આવી તાલાલા-ઊના લાઇન સિવાય જૂનાગઢ-અમરેલી સુધીના ટ્રેક પર કોઇ તકલીફ ન હોવા છતાં રેલવે તંત્રએ તમામ રૂટ બંધ કરી દેતા સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ટ્રેન વ્યવહાર સાથે આસપાસના કુલ 12 તાલુકાઓ જોડાયેલા હોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તાલાલા હિતરક્ષક સમિતિએ ઉચ્ચસ્તરે રજૂઆત કરતાં રેલવે તંત્ર દ્વારા ટ્રેકનું સમારકામ થયા બાદ ચકાસણી કરીને ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ થવાની હૈયાધારણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રેલવે માર્ગ તાલાલાથી કેરી અને ગોળ સહિતની વસ્તુઓના વેપાર માટેનું મહત્ત્વનું માધ્યમ છે. જે બંધ થવાથી અનેક મુસાફરોને તથા વેપારીઓને અસર પહોંચી છે.