સરદાર સરોવરમાંથી 75,000 ક્યુસેક પાણી છોડાયું

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યુ છે. ત્યારે આ વર્ષ લલનીનોને કારણે મેઘરાજા મન મુકી વરસ્યા હતા. ભારે વરસાદને પગલે રાજ્યના તમામ જળાશયમાં પાણી ધરખમ આવક નોંધાય છે. ત્યારે સરદાર સરોવર સિઝનમાં એક વખત ઓવરફ્લો પણ થઈ ચૂક્યો છે. હાલમાં સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં મંગળવારે સવારે 75,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સરકારી આંકડા પ્રમાણે આજે સવારે સરદાર સરોવર ડેમની સપાટી 138.25 મીટર નોંધાઈ હતી. ડેમની સપાટીમાં વધારો થતા મંગળવારે સવારે 75000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાથી તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને પણ જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત ત્રણ મહિના પહેલાં 207 ડેમમાંથી 86 ડેમ તળિયાઝાટક હતા, એની સામે 119 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા અને ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે એટલું પાણી આવી ચૂક્યું છે. હાલ બંને ડેમમાંથી રૂલ લેવલ જાળવવા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. નર્મદા ડેમમાંથી રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે ઉકાઈ ડેમમાં 86.31 ટકાનો જળસંગ્રહ છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં આગામી બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.