રાજકોટ– રાજકોટ જિલ્લાના જસદણ નગરની વિધાનસભા બેઠક માટેની પેટા-ચૂંટણીમાં આજે 71.27 ટકા મતદાન થયું છે. મતગણતરી 23 ડિસેંબરના રવિવારે હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. મતગણતરી જસદણની મોડર્ન સ્કૂલમાં કરવામાં આવશે. મતગણતરી 13 રાઉન્ડમાં કરાશે અને એ માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવનાર છે. મતદાનનો આજે સવારે 8 વાગ્યે પ્રારંભ થયો હતો. પ્રતિષ્ઠાનો જંગ બનેલી પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેની શાખ દાવ પર લાગેલી છે. 262 મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો હતો.
જસદણની પેટાચૂંટણી ખૂબ રસાકસીવાળી છે, જેથી મતદાનમથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાયાં અને તેઓ જસદણ બેઠક પર ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે, તેમની સામે કોંગ્રેસમાંથી કુંવરજીભાઈના જ એક સમયના ટેકેદાર અવસર નાકીયા ઉભા છે. કોળી બહુમતીવાળા વિસ્તારમાં મતદારોનો ઝોક કઈ તરફ રહે છે તે તો 23 ડીસેમ્બરે પરિણામના દિવસે જ ખબર પડશે.
-પુરુષ મતદારોના મતદાનની 73.82 ટકાવારી નોંધાઈ
-મહિલા મતદારોના મતદાનની 68.42 ટકાવારી નોંધાઈ
-સાંજે 6 કલાકે ગાંધીનગરમાં ચૂંટણીપંચનું નિવેદનઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું, 71.27 ટકા મતદાન થયું, રવિવારે 8 વાગે ગણતરી શરુ થશે
-કોંગ્રેસમાં સંગઠન જેવું નથી. આ મતદાન દિવસ ઐતિહાસિક બની રહેવાનો છે, અમે બહુમતીથી જીતીશું. ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી..આ વખતે ગત વખતની લીડ કરતાં બમણી લીડથી જીતીશ. પાટીદાર વિસ્તારમાં પણ મને આવકાર મળ્યો છેઃ કુંવરજી બાવળીયાએ મતદાન પૂર્ણ થયાં બાદ આપી પ્રતિક્રિયા
-મતદાન સમય પૂર્ણ, કુંવરજી બાવળીયા, અવસર નાકીયા સહિત તમામ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં થયું સીલ
-મતદાન પૂર્ણ થવાના આરે, જસદણની મોડેલ સ્કૂલના સ્ટ્રોંગરુમમાં પેરામિલિટરી ફોર્સના જવાનોની નિગરાનીમાં ઈવીએમ રખાશે સુરક્ષિત, 23મીએ થશે મતગણતરી
– બપોરના 4 વાગ્યા સુધીમાં સરેરાશ 65.04 ટકા મતદાન નોંધાયું
-ભોજનના સમય બાદ ફરી એકવાર મતદાનમથકો પર મતદાતાઓની લાઈનો જોવા મળી
-બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન નોંધાયું
–ચૂંટણીપંચને નેતાઓની અવરજવરની, ઈવીએમ બગડવા સહિતની કુલ 26 ફરિયાદ મળી
-બાવળીયાની ધમકીની ઓડિયો ક્લિપ વાઈરલ
-ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રાજકોટ રુરલ પોલીસે ચૂંટણી પ્રચાર મુદ્દે અટકાયત કરી
— જસદણમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 42 ટકા મતદાનનું અનુમાન
– રાજકોટઃ લાઠી કોંગ્રેસના MLA ને ડિટેઈન કરાયા, વીરજી ઠુમ્મરને સાનાથલી નજીકથી ડિટેઈન કરાયા, બોલાચાલી બાદ આટકોટ પોલીસ મથકે લઈ જવાયા
– દળવા સહિતના ગામડામાં મતદારો પર મતદાન માટે દબાણ કરાતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, પોલીસ વડાને ફરિયાદ કરી ટીમ મોકલવા માગણી કરાઈ
– જસદણ- કુંવરજી બાવળીયાને વોટ કરતો ફોટો વાયરલ થવાની ઘટના, વાયરલ ફોટા અંગે તપાસ
-યુવાનો તેમજ વયોવૃદ્ધ ઉમરના લોકો ઉત્સાહભેર તેમનો પવિત્ર મત આપી મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. લોકો નિર્ભય બની બહોળી સંખ્યામાં મતદાન કરે તે માટે સમગ્ર શહેર અને તાલુકા વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાનો ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
– સવારમાં 10 વાગ્યા સુધીમાં 15.74 ટકા મતદાન નોંધાયું
- આ મહિલા મતદાનમથકને ગુલાબી કપડાં, ગુલાબી ફૂગ્ગાનું સુશોભન કરાયું છે. આ મતદાનમથકમાં 414 પુરુષ અને 397 સ્ત્રીઓ મળી કુલ 811 મતદારો નોંધાયેલા છે.
- -ડીએસવીકે. હાઈસ્કૂલમાં મતદાનમથક નંબર 119ને આદર્શ મહિલા મતદાન મથક બનાવાયું છે. જેમાં પ્રિસાડીડિંગ ઓફિસર, ફર્સ્ટ પોલિંગ સેકન્ડ પોલિંગ, પટાવાળા તેમ જ પોલિસસ્ટાફ સહિત તમામ મહિલાઓ છે.
– જસદણમાં 9 વાગ્યા સુધી સરેરાશ 7 ટકા મતદાન નોંધાયું –
– મતદાતાઓની ઠંડી ઊડી, મતાધિકારનો ઉપયોગ કરવા મતદાનમથકો પર ઉમટી રહ્યાં છે મતદારો
-ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વહેલી સવારે ટ્વીટ કરી મતદાનની અપીલ કરી હતી
– કોંગ્રેસના અવસર નાકીયા કૂળદેવીના દર્શન કરી જાતે છકડો ચલાવી મત આપવા નીકળ્યાં, આસલપુર પ્રાથમિક શાળા માં કર્યું મતદાન.
– ભાજપના કુંવરજી 105 વર્ષના માતાના આશીર્વાદ લઈ કૂળદેવી હિંગળાજ માતાના મંદિરે દર્શન કરવા ગયાં બાદ વિંછિયા અજમેરા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.
– ગુજરાતમાં ભારે ઠંડી હોવા છતાં મતદારોમાં ઉત્સાહ
– સવારે મતદાનમથકો પર ઠંડીની અસર, મોટી લાઈનો નથી
– તડકો નીકળશે પછી મતદારો મત આપવા આવશે
– સવારે મોર્નિંગ વોક અને ખેતરમાં જનારા ખેડૂતો મતદાનમથકોએ મત આપવા આવ્યાં, આઠને ટકોરે મતદાન શરુ