પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ પકડાયું, 8 ઈરાની નાગરિકો ઝડપાયા

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો, એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ અને નેવીનાં સંયૂકત ઓપરેશન સાગર મંથન-4માં પોરબંદરના સમૂદ્રમાં એક બોટમાંથી 700 કિલો ડ્રગ્સ પકડાયુ છે. જેની એક કિલોની કિંમત રૂ.2થી 5 કરોડ હોઈ અંદાજે 3500 કરોડની કિંમતના નસિલા પદાર્થ સાથે 8 ઈરાની નાગરિકો ઝડપાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર NCBને ગુપ્ત માહિતી મળી હતી કે એક અનરજિસ્ટર્ડ જહાજ ભારતીય જળસીમામાં નાર્કોટિક ડ્રગ્સ અથવા સાયકોટ્રોપિક પદાર્થો સાથે પ્રવેશ કરશે. આથી NCBએ ગુજરાત ATS અને નેવીની મદદ લઇ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગત રાત્રે હાથ ધરાયેલ આ ઓપરેશનને સાગર મંથન -4 કોડ નેમ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત મધદરિયે ગઈકાલે રાત્રે શંકાસ્પદ હાલતમાં રહેલી એક બોટને આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી સાયકોટ્રોપિક ડ્રગ મેથામ્ફેટામાઇનનો 700 કિલો જેટલો જંગી જથ્થો મળી આવ્યો હતો. બોટમાં સવાર 8 શખસોની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ઈરાની નાગરિક હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલ ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત રૂ.3500 કરોડ જેટલી જાણવા મળી રહી છે. ત્યારે બોટમાં રહેલ શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદર લાવવામાં આવ્યા હતા. અહી એસઓજી કચેરી ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી કોણે અને ક્યાંથી આ ડ્રગ્સ મોકલ્યું છે અને કોને તેની ડિલિવરી આપવાની હતી તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.