અમદાવાદઃ વડા પ્રધાન મોદી દ્વારા વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આના ભાગરૂપે ગુજરાતમાં બપોર સુધીમાં 410 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિને આડઅસર નથી થઈ અને રસીકરણને લઈ આરોગ્ય કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યના 161 સેન્ટર પર રસી આપવાનું શરૂ થયું હતું. દરેક સેન્ટર પર 100 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે. રાજ્યમાં આશરે 16,000થી આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં બપોર સુધીમાં 410 લોકોને રસી આપવામાં આવી છે. હજી કોઈ કર્મચારીમાં રસીની આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાંમાં સૌપ્રથમ રસી ઇન્ટરનેશનલ પિડિયાટ્રિક એસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. નવીન ઠક્કરને મૂકવામાં આવી હતી. જેમનું CM રૂપાણીએ સન્માન કર્યું હતું. અમદાવાદમાં સિવિલ સુપરિન્ટેન્ડન્ટ જે. પી. મોદી પણ વેક્સિનેશન કાર્યક્રમમાં હાજર હતા. રાજ્યમાં સિવિલમાં સુપરિટેન્ડેન્ટ અને ડોકટર્સ તેમ જ નર્સિંગ સ્ટાફે રસી લીધી હતી. તેમણે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે કીડી કરડે એટલી જ અસર થઇ હતી, વેક્સિનથી કોઈ ડરવાની જરૂર નથી, અત્યાર સુધી કોઈને આડઅસર નથી, દરેકે વેક્સિન લેવી જોઈએ. સાથે જ અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈએ પણ રસી લીધી હતી. NHL કોલેજના ડીન ડો. પ્રતીક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી