વલસાડઃ સુરવાડામાં 4 લોકો દરિયામાં તણાયા હતા. જેમાંથી 3 લોકોની લાશ મળી આવી છે. જ્યારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. દરિયાના પાણીમાં બે છોકરા અને બે યુવતીઓ પાણીમાં ડૂબ્યા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. અચાનક પરિવાર પર આફત આવી પડતા પરિવારના લોકોમા શોકનો માહોલ છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ આવી પહોચ્યો હતો અને યુવકને શોધવાની કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિકોના કહેવા મુજબ શરૂઆતમાં દરિયા કિનારે 4 મૃતદેહ દેખાયાં હતા. જોકે થોડા સમય બાદ એક મૃતદેહ ફરી દરિયાનાં પાણીમાં ગાયબ થઈ ગયો હતો. આથી પોલીસે ત્રણ મૃતદેહોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે બાકી એકની શોધખોળ હાથ ધરી હતી. આખરે ભારે શોધખોળ બાદ ચોથો મૃતદેહ પણ મળી આવ્યો હતો. મૃતદેહ પાસેથી વલસાડ કોમર્સ કોલેજના આઇકાર્ડ મળી આવ્યા હતા.
મૃતકોના નામ
- નિલ ભટ્ટ – રહે. બદેલી ગામ
- રૂસ્વિતા દેશમુખ – મોગરાવાડી
- નિમિષા ઓઝા – રામવાડી, વલસાડ
- દીપક માલી – લુહાર ટેકરા, વલસાડ
આમ એક સાથે 4 કોલેજિયન વિદ્યાર્થીઓના મૃતદેહ મળતા સમગ્રપંથકમાં ચકચાર મચી ગઇ હતી. જોકે તમામના મોતનું રહસ્ય ઘેરાયું છે. આ વિદ્યાર્થીઓના મોત અકસ્માતે દરિયામાં ડૂબી જવાથી કે કોઈ અન્ય અકળ કારણ છે તે અંગે તપાસ હાથ ધરાઇ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. મોતના કારણ જાણવા તમામ દિશામાં તપાસ હાથ ધરી હતી.