ડો. એચ. એલ. ત્રિવેદીઃ દર્દી જ એમનો ઇશ્વર, સારવાર જ એમની પૂજા

અમદાવાદઃ અમદાવાદ સ્થિત જાણીતા તબીબ, પદ્મશ્રી જેવા સમ્માનથી વિભૂષિત અને લગભગ પાંચ હજાર કરતાં ય વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટના સફળ ઓપરેશન્સ કરનાર, કિડનીના રોગની સારવારના ક્ષેત્રે નવી દિશા આપનાર અને આ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીયસ્તરે નામના મેળવનાર ડો. એચ. એલ. ત્રિવેદીનું આજે લાંબી માંદગી પછી અવસાન થયું. ગુજરાત અને દેશે મેડીકલ ક્ષેત્રે એક વીરલ વ્યક્તિત્વ ખોયું છે. 

ડો. એચ. એલ. ત્રિવેદી વિશે આમ તો ઘણું લખાયું છે. ગુજરાતમાં એમના નામ અને કામથી કોઇ અજાણ નથી. વર્ષોથી એમના નજીકના સાથીદાર રહેલા અને એમના જીવન પર નાટક લખનાર સુપ્રસિધ્ધ કવિ-લેખક માધવ રામાનુજે અહીં ચિત્રલેખા.કોમ માટે ખાસ સંભારણાં આલેખ્યા છે. એમના જ શબ્દોમાં વાંચીએ…..

ડો. એચ. એલ. ત્રિવેદી. માનવામાં નથી આવતું કે આજે બપોરે 2-30 વાગ્યે તેમણે આપણા વચ્ચેથી વિદાય લીધી છે. મારો તેમની સાથેનો સંબંધ હું કોલેજમાં હતો ત્યારનો છે, પણ એ સંબંધને કોઇ સમયગાળામાં, કોઇ નિશ્ચિત સમયગાળામાં બાંધી ન શકાય એવો છે. પ્રેમનો છે, અતૂટ છે.

મને યાદ છે એ વાત. એકવાર તેમણે કહ્યું કે થોડીક આર્થિક મુશ્કેલી છે. તો મેં કીધું કે આપણે તમારા જીવન પર એક નાટક લખીએ અને તેને ભજવીને એ નિમિત્તે પૈસા એકત્ર કરીએ. એ પછી રાગ-વૈરાગ નામ આપીને નાટક લખ્યું. દર્પણ અકાદમીના કલાકારોએ ભજવ્યું અને લગભગ 70 લાખ રુપિયા જેટલી રકમ ભેગી કરી. બીજા વર્ષે ફરીથી કર્યું અને તેનાથી વધારે પૈસા ભેગા કર્યા. આમ, કામ આગળ વધતું ગયું એટલે 2003 માં હું નિવૃત્ત થયો ત્યારે તેમણે જ કહ્યું કે, આવી જાવ અમારી સાથે. આ રીતે કીડની હોસ્પિટલમાં એમની સાથે જોડાવાનું અને કામ કરવાનું બન્યું.

એમનામાં જે કુદરતી તાકાત હતી તે એ હતી કે માત્ર સારવારની પરંપરા પ્રમાણેની પદ્ધતિ અપનાવીને એ બેસી ન રહ્યા, પરંતુ ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે કઈ રીતે સારુ કરી શકાય, કઈ રીતે સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેના માટે તેઓ સતત સંશોધન કરતા રહ્યાં. આમ તો કેનેડામાં સૌથી વધારે ટેક્સ ભરનારા લોકોની યાદીમાં તેમનું નામ હતું. તે સમયે તેમણે તે દેશ છોડ્યો અને પોતાના દેશમાં આવીને અહીંયાના સામાન્યમાં સામાન્ય દર્દીને મદદરુપ થવાનું સ્વીકાર્યું. સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તેમને જગ્યા આપી, ત્યાં તેમણે પહેલા મિત્રોની મદદથી અને પછી સરકારની મદદથી 400 પથારીની હોસ્પિટલ ઉભી કરી. આપણા દેશમાં આટલી મોટી કીડનીની હોસ્પિટલ બીજી નથી. અહીંયાના બધા જ ડોક્ટરો ફૂલ ટાઈમ છે, કોઈ પાર્ટ ટાઈમ નહી. બધા જ સમર્પિત ડોક્ટરો છે.

કીડની ટ્રાન્સપ્લાન્ટ પછી રિજેક્શન આવે તો પછી તે રિજેક્શન નિવારવાનું તેમણે શોધી કાઢ્યું. આ પ્રકારના હજાર જેટલા દર્દીઓને તેમણે સારવાર આપી. છેલ્લા ત્રણેક વર્ષથી તેમની તબિયત લથડી, અહીંયા હોસ્પિટલમાં જ તેમને રાખવામાં આવ્યા. તેમના પત્ની તેમની સાથે રહ્યાં. હોસ્પિટલના બધા જ ડોક્ટર કર્મચારીઓ સતત તેમની સાથે રહ્યા. છેલ્લા 40-45 દિવસથી તેઓ કોમામાં સરી પડ્યાં. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા, અને કમનસીબે આજે તેમનું અવસાન થયું.

તેઓ એટલા પોતાના ક્ષેત્રના ખૂબ જીનિયસ હતા. તેઓ ઘણીવાર કહેતા પણ ખરા કે મારો આઈક્યુ 250 છે, હું દર્દીને જોઈને જ કહી આપું કે આની કિડની કઈ સ્થિતીમાં હશે. એવા અટપટા કેસો તેમણે સોલ્વ કર્યા છે. દરેક દર્દીને તેઓ પોતાના સ્વજન લાગે તે પ્રકારે તેમની સાથે રહેતા. ગમે ત્યારે અને ગમે ત્યાંથી આવેલા દર્દી કે સગા તેમની પાસે જઈ શકે. દૂરના ગામડામાંથી આવેલો દર્દી હોય કે શહેરનો કોઈ દર્દી હોય બધા લોકોને સરખી રીતે રાખતા. તેઓ દર્દીઓને સારવાર સાથે સ્નેહ આપતા હતા. તેઓ પોતે એવું માનતા હતાં અને તેમણે એ અપનાવ્યું પણ ખરું કે, દર્દી મારે મન ઈશ્વર છે અને તેની સારવાર એ જ પ્રભુ પૂજા છે. કંઈ બધા જ દર્દી સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હોય એટલે આ જ હોસ્પિટલમાં દવાખાનું ખોલ્યું અને લગભગ 50 ટકા જેટલા ઓછા દરે અહીંયા દવાઓ મળે એ પ્રકારની વ્યવસ્થા તેમણે ગોઠવી આપી. આ સિવાય પણ તેઓ પોતે પણ દર્દીને કોઈપણ પ્રકારનો ક્ષોભ ન થાય તે રીતે તેની પરિસ્થિતી સમજીને તેને રાહત આપવાની શરુઆત તેમણે કરી. હવે એ કામ હું સંભાળું છું.

કીડની ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે પણ તેમણે અહીંના ડોક્ટરોને તૈયાર કર્યા. તેમની ઈચ્છા તો હતી કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ અહીંયા જ શરુ કરવું પણ ત્યાં સુધી પહોંચી ન શક્યા. મોરારી બાપુએ તેમની સેવા જોઈને સામેથી કથા આપી અને તેનાથી અમે સારુ એવું ભંડોળ એકત્ર કરી શક્યા છીએ, દર્દીઓને રાહત માટે કામ લાગે એટલા માટે.

વિશ્વના આ ક્ષેત્રના ડોક્ટરોની અગ્રીમ હરોળમાં તેમને મૂકી શકાય. તેમનું આ જે સ્ટેમ સેલ વાળું સંશોધન છે એ નોબેલ પ્રાઈઝની સમકક્ષ હતું. અને તેઓ હસતા-હસતા કહેતા હતા કે એ લોકોએ મને નોબેલ આપવું જ પડે એવું છે આ. પણ એ થઈ શક્યું નહી.

હું માનું છું કે તેઓ વિદેશથી ભારતમાં આવ્યા ત્યાં સુધી અહીંયા કિડની વિશેની સભાનતા કે બહુ જ ઓછી હતી. ક્યાંક ક્યાંક સારવાર ચાલતી હશે, લગભગ 10-12 કલાક ચાલે એવા ઓપરેશનો પણ થયાં કીડનીના અહીંયા, પણ તેમણે બે વસ્તુ કરી એક તો દર્દીઓની ટ્રાન્સપ્લાન્ટ સુધીની સારવાર અને કિડની બગડે નહી તેના માટેની તકેદારીના પગલા એનો એમણે પ્રચાર પ્રસાર કર્યો.

હું માનું છું કે તેમણે તૈયાર કરેલી ડોક્ટરો અને અન્ય કાર્યકરોની જે ટીમ છે, તે તેમના પગલે જ દર્દી પરત્વે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે, ઓછામાં ઓછો ખર્ચ તેને આવે તે રીતે જ વર્તવું. એમની પરંપરા ચાલુ રાખવાનો જે સંકલ્પ છે, તે જ તેમને સાચી શ્રદ્ધાંજલી હશે. ભારત સરકારે તેમને પદ્મશ્રી તો આપ્યો પણ ગુજરાત સરકારે પણ તેમના માટે 11 માળની હોસ્પિટલ તૈયાર કરીને આપી છે. આ હોસ્પિટલ આગામી એકાદ વર્ષમાં કાર્યરત થઈ જશે. અને એમને પોતાને બહુ ઈચ્છા હતી કે કીડની અને શરીરના બધા જ અવયવોના ટ્રાન્સપ્લાન્ટનું જ શીખવતી હોય તેવી યૂનિવર્સિટી હોય, તો એ યૂનિવર્સિટી એમને મળી અને સરકારે પણ મંજૂરી આપી અને બે વર્ષથી તે યૂનિવર્સિટી કાર્યરત છે. એમણે કંડારેલા સેવાના આ માર્ગ પર આપણે ચાલીએ એ જ એમને સાચી શ્રધ્ધાંજલિ હશે.