અમદાવાદઃ ઈન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્સ્ટેસ્ટીનલ એન્ડો સર્જન્સ (ISEG)ના ઉપક્રમે એશિયન બેરિયાટ્રિક દ્વારા અમદાવાદમાં એડવાન્સ્ડ લેપ્રોસ્કોપિક સર્જરી-બેરિયાટ્રિક(FALS-Bariatric)ના ત્રીજા ફેલોશિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.બેરિયાટ્રિક સર્જન અને ઓર્ગેનાઈઝિંગ ચેરમેન ડો. મહેન્દ્ર નારવરીયા અને ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. સંજય પાટોલીયા આ 3 દિવસના સમારંભમાં પ્રોગ્રામનું નેતૃત્વ સંભાળી રહ્યાં છે.
અંદાજે 50 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફેકલ્ટી આ 3 દિવસના સમારંભમાં હાજરી આપશે. સમારંભમાં સેમિનારો, પેનલ ચર્ચાઓ, અને પરામર્શનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો ફેલોશિપ કોર્સ બેરિયાટ્રિક સર્જરીને લગતા વિષયોને આવરી લેશે.ડો. મહેન્દ્ર નારવરીયાએ જણાવ્યું હતું કે “ અમદાવાદમાં ફેલોશિપ કાર્યક્રમનુ આયોજન કરવું તે અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. છેલ્લા થોડાક વર્ષમાં બેરીયાટ્રીક સર્જરીની આવશ્યકતા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને તેની માંગ પણ વધી છે. બેરીયાટ્રીક સર્જરી માટેનાં અનેક કેન્દ્રો ખુલી રહ્યાં છે ત્યારે અમારી મુખ્ય નિસ્બત દર્દીઓની સલામતિ અંગે છે. ફેલોશિપ કોર્સના આયોજન પાછળનો ઉદ્દેશ એ છે કે જે કોઈ ફેલોશિપ પ્રોગ્રામમાં હાજરી આપે તેને અમારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો પાસેથી વર્કશોપ જેવા કાર્યક્રમો દ્વારા તાલિમ પ્રાપ્ત કરે, જેથી તે દર્દીઓની સલામતિ બાબતે વધુ ધ્યાન આપવાનુ શિખી શકે અને એ દ્વારા વધુ બહેતર કામગીરી કરી શકે. “
ત્રણ દિવસના ફેલોશિપ પ્રોગ્રામના ભાગ તરીકે એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ ખાતે 15 સર્જરી કરવામાં આવશે અને થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમારંભના સ્થળે તેનુ ટ્રાન્સમિશન કરાશે. થ્રીડી ટેકનોલોજીથી આ પ્રકારની સર્જરી ટ્રાન્સમીટ કરાઈ હોય તેવી આ ભારતની પ્રથમ ઘટના છે.