સુરતમાં પાવર હાઉસનો ૮૫ મીટરનો ટાવર પાંચ સેકન્ડમાં કડડભૂસ

સુરતઃ અહીંના ઉત્રાણ ખાતે ૮૫ મીટર ઊંચા પાવર હાઉસના ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. જેમાં ૭૨ પિલર હતા. માત્ર પાંચ સેકન્ડમાં જ ટાવરને ધ્વસ્ત કરી દેવાયો હતો.

માયનિંગ એન્જિનિયર આનંદ શર્મા કહે છે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન મગળવારે સવારે ૧૧ વાગ્યે કરવામાં આવ્યું હતું. આ ટાવર ૭૦ મીટર પહોળો હતો જેને ૩૦ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

આ કુલીંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ એક્સપ્લોઝીવ ટેકનિકથી બ્લાસ્ટ કરી ડિમોલિશન કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ માટે ૨૫૦ કિલો ટાયનામાઈટનો વપરાશ કરવામાં આવ્યો હતો. ટાવર સ્થિત વિસ્તારમાં આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ ૩૭૫ અને ૧૩૫ મેગાવોટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે. જેમાં ૧૩૫ મેગાવોટનો પ્લાન્ટ ૩૦ વર્ષથી કાર્યરત છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ધારીત વર્ષો પછી જૂના પ્લાન્ટને જમીનદોસ્ત કરવામાં આવે છે. ઉત્રાણ પાવર સ્ટેશનમાં ૧૩૫ મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી, આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને બ્લાસ્ટ ડિમોલિશન કરી દેવાયો છે.

કંટ્રોલ બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતાં આશરે ૩૦થી ૪૦ મિનિટનો સમય લાગી શકે છે. બ્લાસ્ટિંગ સમય માત્ર ૧૦થી ૧૪ સેકન્ડનો હતો, અને માત્ર પાંચ સેકન્ડમાં આખો ટાવર કડડભૂસ થઈ ગયો. આ કામગીરીના કારણે ટાવરની આસપાસના ૫૦ મીટરના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ૧૦ મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાયુ હતું.