ગાંધીનગરઃ રાજ્યમાં આગામી સપ્તાહે યોજાનારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન પહેલાં મૂડીરોકાણના 30 મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર સોમવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.જે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, એમાં દેશની પહેલી લિથિયમ રિફાઇનરીની સ્થાપના અને નૈનો ઉપગ્રહો માટે શોધનું કેન્દ્રની રચના પણ સામેલ છે. આ સિવાય શોધ અને તાલીમના ઉદ્દેશ માટે શૈક્ષણિક સંસ્થાઓએ પણ કેટલાક MOU કર્યા છે.
રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવાના હેતુથી આયોજિત કરવામાં આવનારી સમીટ પહેલાં રાજ્ય સરકાર છેલ્લા દોઢ મહિનાથી પ્રત્યેક સોમવારે ઇચ્છુક કંપનીઓની સાથે MOU પર હસ્તાક્ષર કાર્યક્રમ આયોજિત કરી રહી છે. આ જ ક્રમમાં છઠ્ઠા MOU કાર્યક્રમ પૂરો થયો હતો. અત્યાર સુધી 135 MOU કરવામાં આવી ચૂક્યા છે.
એડિશનલ મુખ્ય સચિવ (ઉદ્યોગ) રાજીવકુમાર ગુપ્તાએ રાજ્ય સરકાર દ્વારા આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મણિકરણ લિથિયમ પ્રાઇવેટ લિ.એ રાજ્યમાં ઉચ્ચ શુદ્ધતાવાળી બેટરીની શ્રેણીની લિથિયમના ઉત્પાદન માટે એક એકમ લગાવવા માટે કરાર કર્યા છે. આ ઉપરાંત IG ડ્રોન્સે પણ અમદાવાદમાં નેનો ઉપગ્રહો માટે એક રિસર્ચ સેન્ટર બનાવવા માટે સમજૂતી કરાર કર્યા છે. સ્ટાર ડિફેન્સ લોજિસ્ટિક્સ એન્ડ એન્જિનિયરિંગે પણ અમદાવાદમાં બુલેટ-પ્રૂફ જેકેટ, પિસ્તોલ અને ટેન્કોના ઉત્પાદન માટે એક એકમ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
રાજ્યમાં ગાંધીનગરમાં 10-12 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમીટ યોજાશે, જેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ કરશે. આ સમીટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહેવાની સંભાવના છે.