રાજ્યમાં એક મહિનામાં કોવિડથી 30 બેન્ક-કર્મચારીઓનાં મોત

અમદાવાદઃ બેન્કોના એક મુખ્ય યુનિયને દાવો કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધી 15,000 બેન્ક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે બીજી લહેર દરમ્યાન છેલ્લા એક મહિનામાં 30 કર્મચારીઓનાં મોત થયાં છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં મહા ગુજરાત બેન્ક કર્મચારી સંઘે (MGBEAએ) રોકડ ઉપાડના કલાકોમાં કાપ, વધારાની રજા અને કામકાજના કલાકોમાં છૂટ આપવાની માગ કરી છે.

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિયેશન સાથે સંકળાયેલા યુનિયને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. મુખ્ય પ્રધાન રાજ્ય સ્તરીય બેન્કિંગ સમિતિ (SLBC)ના ચેરમેન પણ છે. MGBEAએ કહ્યું હતું કે ગુજરાતમાં 9900 બેન્ક શાખાઓમાં 50,000 બેન્ક કર્મચારીઓ કાર્યરત છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 હવાથી પણ ફેલાય છે. બેન્ક કર્મચારીઓ શાખામાં જતાં અથવા ગ્રાહકો સાથે વાતચીત કરવામાં ડરી રહ્યા છે.

યુનિયને કહ્યું હતું કે છેલ્લા એક મહિના દરમ્યાન 30 બેન્ક કર્મચારીઓનાં કોરોના સંક્રમણથી મોત થયાં છે. કેટલીય શાખાઓમાં બધા કર્મચારીઓ સંક્રમિત થયા છે. યુનિયને રૂપાણી પાસે બીજી લહેરને ધ્યાનમાં લેતાં બેન્ક કર્મચારીને કેટલીક છૂટ આપવા માગ કરી છે.