શહેરમાં પ્રતિદિન-240નાં મોત?: સ્મશાનમાં અગ્નિદાહ માટે પ્રતિક્ષા

સુરતઃ રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. શહેરમાં પ્રતિ દિન 240 લોકોનાં મોત થતાં હોવાનો દાવો એક રાજ્યના જાણીતા ન્યૂઝપેપર દ્વારા કરવામાં આવી રહ્યો છે. શહેરમાં હોસ્પિટલોની સાથે સ્મશાનમાં પણ અગ્નિદાહ માટે લાઇન લાગી રહી છે. સ્મશાનો પણ લાશોથી ઊભરાઈ રહ્યાં છે. શહેરમાં મૃત્યુ બાદ પણ અગ્નિદાહ માટે ઓછામાં ઓછા આઠથી 10 કલાક પ્રતિક્ષા કરવી પડી રહી છે.

શહેરનાં વિવિધ સ્મશાન ગૃહોમાં કોરોના અને કોરોના વગરના 240 લોકોનાં મોત થઈ  રહ્યાં છે. અત્યાર સુધીમાં 2થી 4 કલાકની પ્રતિક્ષા યાદી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી આ પ્રતિક્ષા યાદી 8થી 10 કલાકે પહોચી છે. સુરતના જાણીતા અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં બેથી પાંચ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

શહેરનાં વિવિધ સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે લાંબી યાદીને જોતાં સુરતની નજીકના બારડોલીના સ્મશાન ગૃહમાં કોવિડના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી કોરોનાથી મોત થયું હોય એવા છ દર્દીઓના અગ્નિદાહ બારડોલીના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહોમાં લાંબી લાઇનો લાગતાં ટોકન શરૂ કરવામાં આવ્યાં છે.

કોરોના સંક્રમણ વધતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સુરત દોડી ગયા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ કોરોનાની સ્થિતિ મુદ્દે તાગ મેળવ્યો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]