શહેરમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂઃ 288 માઇક્રો-કન્ટેન્મેન્ટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. શહેરમાં એક જ દિવસમાં 42 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે 12 માઈક્રો કન્ટેમેન્ટ ઝોન હટાવવામાં આવ્યા છે. શહેરના બોડકદેવના વેસ્ટન પાર્કનાં 280 મકાનો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. 1000 લોકો આ સોસાયટીમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. કુલ 288 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન શહેરમાં છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3500થી વધુ કોરોના નવા કેસો નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 823, સુરતમાં 819, વડોદરામાં 457, રાજકોટમાં 490, જામનગરમાં 175, પાટણમાં 111, ભાવનગરમાં 90, ગાંધીનગરમાં 79, મહેસાણામાં 66, કચ્છમાં 38, જૂનાગઢમાં 43, મહીસાગરમાં 37, પંચમહાલમાં 33, ખેડામાં 32, મોરબીમાં 31, દાહોદમાં 29, બનાસકાંઠામાં 26, ભરૂચમાં 22 સહિત કુલ 3575 કેસ નોંધવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેટ રાકેશ જોશીએ કહ્યું હતું કે શહેરમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. તેમના જણાવ્યાનુસાર હાલના તબક્કે સમગ્ર પરિવાર કોરોનાની ઝપટમાં આવી રહ્યો છે.

કોરોનાને કારણે અમદાવાદની સ્થિતિ ભયાનક બની રહી છે, જેમાં હવે મોટી-મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઇટિંગમાં ઊભી રાખવી પડે છે. અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દ્રશ્યો નજરે ચઢી રહ્યાં છે. રાજ્યના નાયબ મુખ્ય મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

રાજ્યમાં જમાલપુર શાક માર્કેટ અને એપીએમસીમાં લોકો નિયમ ભંગ કરતા દેખાયા. જેને કારણે આ બે માર્કેટમાંથી કોરોના વધુ ઝડપથી પ્રસરી શકે એવી શક્યતા છે.