ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2023માં મહિલાઓ માટેની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (ITI)માં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ (DET) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડાંઓ મુજબ વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે મુજબ રાજ્યમાં આવેલી 19 મહિલા ITIમાં 5049 મહિલાઓએ પ્રવેશ મેળવ્યો હતો.
વર્ષ 2022માં કુલ 4048 મહિલાઓએ આ ITIમાં પ્રવેશ મેળવ્યો હોવાથી એમ કહી શકાય કે તેની સરખામણીએ વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2023માં મહિલા ITIમાં મહિલાઓની ટકાવારીમાં 24 ટકાનો વધારો નોંધાયો છે, ત્યારે રાજ્યમાં આવેલી તમામ 288 સરકારી ITIમાં મહિલાઓની ટકાવારી નવ ટકા વધી છે. તેમાં મોટા ભાગે કો-એડ ITIનો સમાવેશ થાય છે.
કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં આ સંસ્થાઓમાં પ્રવેશ મેળનારી મહિલાઓની સંખ્યા ઘણી ઘટી ગઈ હતી, પરંતુ DET દ્વારા ઘરે-ઘરે જઇને ઝુંબેશ હાથ ધરવામાં આવતાં છેલ્લાં બે વર્ષમાં તેમાં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ક્વેસ્ટ એલાયેન્સના યૂથ પ્રોગ્રામ (ઓપરેશન્સ)ના ડિરેક્ટર સેન્થિલ કુમાર એમ. કે.એ જણાવ્યું હતું કે આ આંકડાઓ સૂચવે છે કે જીવનમાં કંઈક શીખવા માગતી મહિલાઓ ફક્ત તેમના માટેની ITIમાં પ્રવેશવા માટે ઇચ્છુક છે. આ સંસ્થામાંથી કોર્સ પૂરો કર્યા બાદ તેમને ઘણી બધી નોકરીઓ અને સ્વ-રોજગારીની તકો મળી રહેતી હોવાથી તેઓ ITIમાં પ્રવેશ મેળવી રહી છે. ITIમાં મહિલાઓની ભરતી અને સહભાગિતામાં વધારો થવા પાછળનું વઘુ એક મહત્ત્વનું કારણ આ સંસ્થામાંથી અગાઉ તાલીમ મેળવી ચૂકેલી સ્ત્રીઓનો પ્રભાવ છે.
ITIમાં શીખવાના માહોલને સુધારવામાં ફ્યુચર રાઇટ સ્કિલ્સ નેટવર્ક (એફઆરએસએન)ની ભૂમિકા પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે ITIની અંદર જ પ્લેસમેન્ટ ઓફિસરો માટેના વિશિષ્ટ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું અમલીકરણ થવાથી સંસ્થા અને ઉદ્યોગજગત વચ્ચેનો સંબંધ સુધર્યો છે, જેને પરિણામે સાલ-દર-સાલ પ્લેસમેન્ટનો દર સતત સુધર્યો છે. આથી વિશેષ અમે પ્રિન્સિપલ લીડરશિપ પ્રોગ્રામ પણ હાથ ધરીએ છીએ, જેને લીધે સંસ્થાના અગ્રણીઓ તેમની સંસ્થા માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ વિકસાવી શક્યા છે અને ખૂબ મોટા પાયે પરિવર્તન લાવવા માટે વ્યૂહાત્મક ક્ષેત્રોની સાથે અસરકારક રીતે સંકળાઈ શક્યા છે, જેના પગલે ITIમાં એકંદર ગુણવત્તા ઘણી સુધરી છે.’
DETનાં ડિરેક્ટર ગાર્ગી જૈન (IAS)એ જણાવ્યું હતું કે ગુજરાતની ITIમાં મહિલાઓની ભરતીમાં ઉછાળો જોઇને હું ખૂબ જ રોમાંચિત છું, આ હકારાત્મક વલણ અમારી શૈક્ષણિક સંસ્થાઓમાં સમાવેશી અને સક્ષમ માહોલની રચના કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપાલ્સ, પ્લેસમેન્ટ ઓફિસરો અને એમ્પ્લોયેબિલિટી સ્કિલ ટ્રેનરોને પુરસ્કૃત કરવામાં આવશે. આ સમિટ યોજવા પાછળનો હેતુ ડીઇટી ગુજરાત અને એફઆરએસએન વચ્ચેના સફળ સહયોગનો સારાંશ રજૂ કરવાનો છે.