ગુજરાતમાં એક જ પરિવાર પાસે મોટી સંખ્યામાં આયુષ્યમાન કાર્ડ હોવાનું કૌભાંડ?

અમદાવાદ: આયુષ્યમાન યોજનાને લાંછન લાગે તેવી એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. ગુજરાતના એક પરિવાર પાસે એક બે નહીં પણ 1700 આયુષ્યમાન કાર્ડ હોવાનું સામે આવ્યું છે. દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર આ યોજના હેઠળ બે લાખથી વધુ નકલી ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ છેતરપીંડિનો ખુલાસો નેશનલ હેલ્થ ઓથોરિટીની IT સીસ્ટમથી થયો છે. જો કે, આ આંકડો હજુ પણ વધી શકે છે. મહત્વનું છે કે, નકલી કાર્ડ બનાવીને પૈસા કમાવવાનો ધંધો સૌથી વધારે ઉત્તરપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્રા, હરિયાણા, ઉત્તરાખંડ અને ઝારખંડમાં સામે આવ્યો છે. જેમાં જે લોકો આ યોજનાને પાત્ર પણ નથી તેમણે પણ આ કાર્ડ બનાવી લીધા છે. આ મામલે NHAના ડેપ્યુટી CEO પ્રવીણ ગેડામે કહ્યું હતું કે, બધા જ રાજ્યોમાંથી સાચા આંકડાઓ મગાવવામાં આવી રહ્યા છે. બધા આંકડાઓ આવ્યા બાદ સાચી હકીકતની ખબર પડી જશે. જો કે, આ છેતરપીંડિને પકડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની પણ મદદ લેવામાં આવશે.

છેતરપીંડિની શંકા ત્યારે ગઈ, જ્યારે ખાનગી હોસ્પીટલોએ આયુષ્યમાન કાર્ડધારક દર્દીઓની સારવારના મોટા મોટા બિલ સરકારને મોકલવાની શરૂઆત કરી. જેમાંથી ઘણા બિલની ચૂકવણી પણ કરી દેવામાં આવી, પરંતુ છેતરપીંડિ સામે આવ્યા પછી સરકારે આ હોસ્પિટલો પાસેથી 4 કરોડનો દંડ પણ વસુલ કર્યો છે. બોગસ બિલ મોકલનારી 150થી વધુ હોસ્પિટલોને આ યોજનાથી બહાર કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ અને બિહારના 1350થી વધારે બિલ પણ શંકાના દાયરામાં છે. છત્તીસગઢની એએસજી હોસ્પિટલમાં એક પરિવારના નામ પર 109 કાર્ડ બન્યા હતા તેમાંથી 57 લોકોના આંખની સર્જરી પણ કરવામાં આવી. તો પંજાબમાં બે પરિવારના નામ પર 200 કાર્ડ હોવાનું સામે આવ્યું છે અને મધ્યપ્રદેશમાં એક પરિવારના નામ પર 322 કાર્ડ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2018માં આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 70 લાખથી વધારે લોકોની સારવાર કરવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ સરકારે સારવારનો લગભગ 4500 કરોડ રૂપીયાથી વધારે ખર્ચની રકમ હોસ્પિટલોને ચૂકવી દીધી છે.