અમદાવાદના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા જ નથી!

ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદને દેશના પ્રથમ વીસ શહેરમાં સ્થાન મળ્યું છે. જે બાદ અમદાવાદ મ્યુનિ.ના સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ અંતર્ગત શહેરના તમામ ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા જ નથી. 130 ટ્રાફિક જંકશન ઉપર 1999 સી.સી.ટી.વી.કેમેરા લગાવવા રુપિયા 16.20 કરોડનો ખર્ચ કરવામા આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકીના ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી.

હાલ અમદાવાદના સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં કુલ 290 ટ્રાફિક જંકશન આવેલા છે. જે પૈકી પશ્વિમ ઝોનમાં 84, ઔડા વિસ્તારમાં 15, દક્ષિણ ઝોનમાં 39, મધ્યઝોનમાં 34, પૂર્વ ઝોનમાં 28, ઉત્તરઝોનમાં 20, ઉત્તર-પશ્વિમ ઝોનમાં 12 તથા દક્ષિણ-પશ્વિમ ઝોનમાં 8,રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટમાં 16 ટ્રાફિક જંકશન આવેલા છે. વર્ષ-2018-19થી વર્ષ-2020-21 સુધી અલગ અલગ વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવામા આવ્યા પછી વર્ષ-2021-22થી ત્રણ વર્ષમાં મ્યુનિ.ના સ્માર્ટ સિટી મિશન તરફથી બાકી રહેલા ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી કે કાર્યવાહી પણ કરવામાં આવી નથી. તમામ ટ્રાફિક જંકશન ઉપર મ્યુનિ.તંત્રે સી.સી.ટી.વી.કેમેરા લગાવ્યા નહીં હોવાથી શહેર પોલીસ ચોરી, લૂંટ, અકસ્માત  જેવા ગુનાઓમાં ગુનેગારોને પકડી શકતી નથી. અમદાવાદના પંચતીર્થ ટ્રાફિક જંકશન, ડુંગરીશનગર ટ્રાફિક જંકશન, પીરકમાલ મસ્જિદ ટ્રાફિક જંકશન, રાયખડ ટ્રાફિક જંકશન, ઓઢવ ફાયર સ્ટેશન ટ્રાફિક જંકશન, પકવાન ટ્રાફિક જંકશન, ડફનાળા ટ્રાફિક જંકશન, ગીરધરનગર ટ્રાફિક જંકશન, કામા હોટલ ટ્રાફિક જંકશન, માઉન્ટ કાર્મેલ ટ્રાફિક જંકશન પર કેમેરા લગાવવામાં આવ્યા નથી.