વડોદરા: એક બાજુ રાજ્યમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજું ગણતરીના દિવસોમાં જ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગણેશ ચતુર્થીને લઈ રાજ્ય સહિત દેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઢેર ઢેર ગણપતિ બાપાના પંડાલ સજાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પાદરાના ડબકા ગામે એક આધાતજનક ઘટના સર્જાઇ છે. જેમાં ગણેશ પંડાલ બાંધી રહેલા 15 યુવકોને એક સાથે કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાં ગણપતિના તહેવારને લઈ પંડાલ સજાવવાની કામગીરી ચાલી રહી હતી. પંડાલ સજાવતી વખતે એક સાથે લગભગ 15 યુવાકોને કરંટ લાગતા ભક્તિમય વાતવરણ શોકમય બની ગયું. ડબકા ગામે આવેલા વેરાઇ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા, તે દરમિયાન લોખંડની એંગલ હાઇટેન્શન લાઇનને અડી જતાં 15 યુવકોને અચાનક કરંટ લાગ્યો હતો. જેમાં 1 યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે 14 યુવાનોને શરીરના અલગ અલગ ભાગો પર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.
