ગણપત યુનિવર્સિટી દ્વારા 13મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

વિદ્યાનગરઃ  ગણપત યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા 20-21 માર્ચે 13મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો કેન્દ્રવર્તી વિચાર પાંચ-જી (5G) એટલે કે ગ્લોબલ, ગ્રીન, ગ્રોથ, ગવર્નન્સ અને ગવર્નમેન્ટ રાખવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી અને મલેશિયાની ટેલર્સ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ બિઝનેસ એન્ડ લોના સહયોગમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને રાજ્ય સરકારની સંસ્તા ગુજકોસ્ટ દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો હતો. યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપત પટેલે પાંચ જીની વિશેષ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુડ ગવર્નન્સ, ગ્રીન ઇનિશિયેટિવ, ગ્રોથ વિથ વેલ્યુ ઇન લાઇન વિથ ગવર્નમેન્ટ પોલિસી અને પ્રોસિજર.

રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મુખ્ય સચિવ અંજુ શર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે ગ્રોથ આધારિત ગવર્નન્સ દ્વારા આધુનિક ઉચ્ચ શિક્ષણને એક વિશેષ ધાર મળે છે. જગતઆખાના ચુનંદા વક્તાઓની ખાસ ઉપસ્થિતિ એ આ કોન્ફરન્સની વિશેષતા હતી. અમેરિકાની પ્યુર્ટો રિકો યુનિ.ના મેનેજમેન્ટના વિષયના વ્યાખ્યાતા પ્રો. જસ્ટિન પૌલે ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું.

ગ્લોબલ, ગ્રીન, ગ્રોથ, ગવર્નન્સ અને ગવર્નમેન્ટ-કુલ પાંચ જીના વિષય સંદર્ભે 50 જેટલા રિસર્ચ પેપર્સ અને કેસ-સ્ટડીઝ કોન્ફરન્સમાં રજૂ થયા હતા. આ ઉપરાંત કોન્ફરન્સમાં આઠ પીએચડી થિસિસ પણ રજૂ થયા હતા અને એનું વિવિધ સંસ્થાઓ દ્વારા મૂલ્યાંકન પણ થયું હતું. બેંગલુરુની જૈન યુનિ.ની સીએમએસ બિઝનેસ સ્કૂલના ડો. ઉમા વોરિયર અને ડો. સત્યેન્દ્ર નંદાના સેનિટાઇઝેશન વિશેના રિસર્ચ પેપરને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું, જ્યારે બીજું ઇનામ અજમેરની ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના મીનલ ઝાના બ્રાન્ડ લોયલ્ટી પરના રિસર્ચ પેપર અને ગણપત યુનિવર્સિટીના ડો. સૂરજ શાહ અને ડો. મોરવી વસાવડાના રિસર્ચ પેપર વચ્ચે સંયુક્ત રીતે વહેંચાયું હતું તો ત્રીજું પારિતોષિક યુનિવર્સિટીના ડો. મહેન્દ્ર શર્માના રિસર્ચ પેપરને પ્રાપ્ત થયું હતું.

આ બે દિવસીય ઓનલાઇન આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સંચાલન યુનિવર્સિટીના ડો. નિકિતા  પટેલ, રોમી સેબાસ્ટિયન, ડો. સૂરજ શાહ, ડો. ધર્મેશ ગઢવી અને યશપાલ જાડેજાએ કર્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]