ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતી સર્જાય છે. જ્યાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 6.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ ઉચ્છલમાં 4 ઈંચ અને સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

તો બીજી બાજું હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં સાવર્ત્રિક સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યાં 26 જુલાઈ એટલેકે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી છે. 26થી 30 જુલાઈ સુધી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હાલ સુધીમાં સિઝનનો એવરેજ 53.25 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 73.46 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 75.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.07 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 29.34 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32.37 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.