ગુજરાતમાં ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સની સુવિધા મળશે

રાજ્યમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, તેની સાથે લાઇસન્સ માટે અરજી કરતાં લોકોની સંખ્યા પણ વધી છે. ઘણી વખત લાઇસન્સ માટે ટેસ્ટ આપવા જતી વખતે સર્વસ ડાઉન અને દિવસો સુધી એપોઈન્ટમેન્ટ ન મળતી હોવાનું પણ સામે આવે છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. જેમાં આરટીઓ અને પોલિટેકનિક સાથે ઘરે બેઠા ફેસલેસ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાશે.

કેવી રીતે મળશે લાઇસન્સ

સૌથી પહેલા લોકોએ પરિવહન પોર્ટલ પર જઈ ક્યાં માધ્યમથી લાઇસન્સ લેવું છે તેની પસંદગી કરવાની રહેશે, જેમાં ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ મેળવનાર લોકોએ અરજી કર્યાના સાત દિવસની અંદર પોર્ટલ પર ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે, જે પરિવહન પોર્ટલ પર જ મળી જશે. ટ્યુટોરિયલ જોયા બાદ લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ પેન્ડિંગ રહેશે. ત્યાર બાદ તેના માટેની પરીક્ષા આપી શકાશે. પરીક્ષા આપવા માટે અરજદારોનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, જેથી મોબાઇલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઇન ટેસ્ટ આપી શકાશે. આધાર કાર્ડમાં જે વિગતો હશે તે વિગતો એડિટ કરી શકાશે નહિ, તે સિવાયની વિગતો એડિટ કરી શકાશે.

આ ઉપરાંત જો 16થી 18 વર્ષના અરજદારે અરજી કરવી હોય તો તેઓએ વાલીનું કન્સેન્ટ ફોર્મ તેમની સહી સાથે અપલોડ કરવાનું રહેશે. જોકે દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે નહિ. તેમણે કચેરી ખાતે આવીને લર્નિંગ લાઇસન્સ મેળવવાનું રહેશે.

ફેસલેસ લર્નિગ લાઇસન્સનો સર્કુલર જોવા અહીં ક્લિક કરોઃ Faceless LL Circular

રાજ્યના વાહન વ્યવહાર કમિશનરના જણાવ્યા મુજબ, 12થી 13 રાજ્યોમાં સફળતાપૂર્વક અમલમાં આવેલા ફેસલેસ લર્નિંગ લાઇસન્સ પ્રણાલી હવે ગુજરાતમાં 7મી જુલાઈથી શરુ કરવામાં આવશે. હવે લર્નિંગ લાઇસન્સ માટે ઉમેદવારોને આરટીઓ, પોલિટેકનિક કે આઇ.ટી.આઇમાં ફિઝિકલ હાજર રહેવાની જરૂર નહીં રહે. આમ લોકો ઓનલાઇન ફેસલેસ મોડમાં લાયસન્સ માટે અરજી કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થશે.

વાહન વિભાગ આગામી દિવસોમાં ફેસલેસ લાઇસન્સ માટેની માર્ગદર્શિકા વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરશે. વાહન વિભાગ વધુ એક અગત્યનો વિકલ્પ ઊભો કરી રહ્યું છે. જેમાં વીડિયો એનાલિટિક્સ આધારિત આધુનિક ઢબે ડ્રાઇવિંગ લાયસન્સની સુવિધા મળશે. ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરુઆત થશે. અહીં ઓટોમેટિક ડ્રાયવિંગ લાઇસન્સ સિસ્ટમ અમલમાં આવશે, જે બાદમાં સમગ્ર રાજ્યમાં આવનાર છ મહિનામાં આ ટેકનોલોજી અમલમાં આવશે.