ગુજરાતમાં 54 હજારથી વધુ શાળામાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. જેમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાઓના કેમ્પસો ફરી ગુંજી ઊઠશે. તા.27, 28 અને 29મી જૂન આ ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સ યોજાશે. તથા ધોરણ.11માં પાછલા વર્ષોની સરખામણીએ દોઢ લાખ જેટલા વધુ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે.
રાજ્યની 54 હજારથી વધુ શાળાઓમાં પડેલા 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થતા આજથી વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. ઉનાળુ વેકેશન દરમિયાન સૂમસામ રહેલા શાળાઓના કેમ્પસ 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગૂંજી ઊઠશે.આ વખતે રાજ્યની તમામ શાળાઓમાં તા.27, 28 અને 29મી જૂન એમ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ, રાજ્યની સ્કૂલોમાં તા.6મે-2024થી તા.9 જૂન-2024 સુધીનું વેકેશન જાહેર કરાયું હતું, જે અન્વયે પ્રાથમિક નિયામક કચેરી દ્વારા તો પરિપત્ર પણ કરી દેવાયો હતો.
પરંતુ શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી જાહેર કરેલ વેકેશન મોકૂફ રાખવાનો નિર્ણય લઈ તારીખમાં ફેરફાર કરાયો હતો. જે મુજબ તમામ શાળા અને કોલેજોમાં તા.9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ 43 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી 54 હજારથી વધુ સ્કૂલોમાં તા.9મી મેથી તા. 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ, જે આજે પૂર્ણ થયુ છે.
રાજ્યમાં વધુ 30 જેટલી નવી નિવાસી શાળાઓનો પ્રારંભ થશે, કુલ સંખ્યા 50 નિવાસી શાળામાં 20 હજાર વિદ્યાર્થીને પ્રવેશ અપાશે. તથા નમો લક્ષ્મી, નમો સરસ્વતી અન્વયે આ વખતે પ્રથમવાર 12થી 14 લાખ વિદ્યાર્થીઓને રૂ.1,650 કરોડ સ્કોલરશીપ મળશે. તેમજ ધોરણ.11માં પાછલા વર્ષોની સરખામણીએ દોઢ લાખ જેટલા વધુ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે. તથા વર્ગ-1નાં 8 જેટલા અધિકારીઓની ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી આવશે.