ગુજરાત પોલીસ ભરતી અંગે મોટો નિર્ણય: પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ કેડરની વિવિધ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ)ની ૧૭૨ જગ્યાઓ અને ટેક્નિકલ ઓપરેટરની ૬૯૮ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલા શિડ્યુલ અનુસાર, આ લેખિત પરીક્ષા આવનારી ૨૩ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવશે. પરીક્ષામાં બેસવા માટેના કોલ લેટર ઉમેદવારો ૧૭ ઓગસ્ટના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાથી OJAS ની સત્તાવાર વેબસાઇટ (https://ojas.gujarat.gov.in) પરથી ડાઉનલોડ કરી શકશે.

વિવિધ કેડરની કુલ 950થી વધુ જગ્યાઓ પર થશે ભરતી

ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં:

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ): ૧૭૨ જગ્યાઓ

ટેક્નિકલ ઓપરેટર: ૬૯૮ જગ્યાઓ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ): ૩૫ જગ્યાઓ

હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧): ૪૫ જગ્યાઓ

એમ વિવિધ ટેકનિકલ સંવર્ગની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.

કોમન ઉમેદવારો એક જ કેન્દ્ર પર આપી શકશે પરીક્ષા

બોર્ડની સૂચના મુજબ, જે ઉમેદવારોએ ‘પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)’ તથા ‘હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૧)’ એમ બંને ભરતીઓ માટે અરજી કરી છે, તેઓ એક જ પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવા તમામ કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ (https://gprb.gujarat.gov.in) પર પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.

૧૦ ઓગસ્ટ સુધી રજૂઆત કરવાની મુદત

જો કોઈ ઉમેદવારે ઉપરોક્ત બંને જાહેરાતો માટે ઓનલાઈન અરજી કરી હોય, પરંતુ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં તેમનું નામ છૂટી ગયું હોય, તો તેઓ ૧૦ ઓગસ્ટના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં જરૂરી પુરાવા સાથે રજૂઆત કરી શકશે. ઉમેદવારોએ પોતાની ઓનલાઈન અરજીની નકલો સાથે ભરતી બોર્ડની કચેરી (બંગલા નં. ગ-૧૨, સરિતા ઉદ્યાન નજીક, સેક્ટર-૯, ગાંધીનગર) ખાતે રૂબરૂ જઈને અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર મારફતે પોતાની લેખિત રજૂઆત મોકલી આપવાની રહેશે.