ચાલુ વંદે માતરમે કોંગ્રેસના ખેડાવાલા બેસી ગયા, વિવાદ અંગે શું આપ્યો જવાબ?

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થતાં જ એક નવો વિવાદ સામે આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર ‘વંદે માતરમ’નું અપમાન કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસ પાર્ટી પાસે સ્પષ્ટતા માંગી.

મંત્રી પ્રવિણ માળીએ આ ઘટનાને માતૃભૂમિ અને રાષ્ટ્રગીતના અપમાન સમાન ગણાવીને કહ્યું કે ઇમરાન ખેડાવાલા જાણી જોઈને બેસી ગયા હતા કે ભૂલથી થયું તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ અને જો ભૂલથી થયું હોય તો માફી માંગવી જોઈએ. ભૂતકાળમાં વિધાનસભાના ગૃહમાં આવી ઘટના બની નથી અને આ મુદ્દે ગૃહમાં રજૂઆત કરાશે તથા સંસદીય પ્રણાલી મુજબ પગલાં લઈ શકાય છે.

વાદ અંગે ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું?

આ મામલે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે હું વંદે માતરમના ગાન સમયે માનપૂર્વક ઊભો હતો અને પછી જેટલી કડીઓ જરૂરી હતી તે દરમિયાન હું ઊભો રહ્યો અને પછી હું બેસી ગયો. આ મારો અંગત મંતવ્ય છે. અમારામાં ખુદાની જ ઈબાદત કરવાનો હુકમ છે.

દિલ્હી સંસદથી લઈને ગુજરાત વિધાનસભા સુધી એવી પ્રણાલી રહી છે કે સત્રની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’થી કરવામાં આવે છે. પરંતુ, ભાજપના આરોપ મુજબ, આજે સત્રની શરૂઆતમાં જ્યારે ‘વંદે માતરમ’ની ધૂન વાગી ત્યારે જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાની જગ્યા પર ઊભા થયા અને તરત જ પાછા બેસી ગયા હતા. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રીય ગીતનું સીધું અપમાન ગણાવ્યું છે.