બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મોટા સમાચાર: મે-જૂન 2027માં ટ્રાયલ રન

ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આકાર લઈ રહેલા દેશના પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર પરથી ટૂંક સમયમાં ભારતીય ઈજનેરીની ચમક જોવા મળશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડોદરા ખાતે આયોજિત ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ વિગતો આપતાં જણાવ્યું છે કે, સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર થઈ રહેલી મેડ ઈન ઈન્ડિયા બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન આગામી મે અથવા જૂન 2027 દરમિયાન શરૂ કરવામાં આવશે.

સ્ક્વિઝ ટેસ્ટિંગ તબક્કામાં બુલેટ ટ્રેનનું સ્ટ્રક્ચર

રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ તૈયાર કરાઈ રહેલી દેશની પ્રથમ બુલેટ ટ્રેનની બોડી ફ્રેમ સફળતાપૂર્વક તૈયાર થઈ ચૂકી છે અને હાલ તેને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતા સ્ક્વિઝ ટેસ્ટિંગ (Squeeze Testing) માટે મોકલવામાં આવી છે. 2027ના મધ્યમાં ટ્રેન ટ્રેક પર આવ્યા બાદ અંદાજે 2 થી 4 મહિના સુધી વિવિધ તબક્કામાં સુરક્ષા અને તકનીકી ક્ષમતાનું કડક સિક્યોરિટી ચેકિંગ થશે. તમામ પરીક્ષણો સફળ રહ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

મુસાફરીના સમયમાં અડધાથી વધુનો ઘટાડો

હાલ વડોદરા અને મુંબઈ વચ્ચેનું આશરે 392 કિલોમીટરનું અંતર કાપવા માટે દેશની ઝડપી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને પણ પોણા પાંચ કલાક (4 કલાક 44 મિનિટ) જેટલો સમય લાગે છે. જોકે, બુલેટ ટ્રેન દોડતી થયા બાદ આ સમયગાળો ઘટીને માત્ર 1.5 કલાક (90 મિનિટ) થઈ જશે. 280 કિલોમીટરથી લઈને મહત્તમ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેન વેપાર, રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓ માટે એક મોટું ‘ગેમચેન્જર’ સાબિત થશે.