ગુજરાત : 108 ઈમરજન્સી સેવામાં વધુ નવી 82 એમ્બ્યુલન્સનો વધારો કરાયો

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી 50 નવી 108 એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી કુલ 32 એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કર્યુ હતું. રાજયનાં નાગરિકોને 24*7 આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, નવી 82 એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. પ્રિ-હોસ્પિટલ કેર સાથે દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં 108 એમ્બ્યુલન્સનું અમૂલ્ય યોગદાન રહેલું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી 108 ઇમરજન્સી સેવા 24*7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.

 

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હદયરોગ, કેન્સર, કીડની,પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના અમલી છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 108 સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ તેની ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને એમ્બ્યુલન્સના સ્ટાફને તાલીમ આપવા માટે અધ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 108 ઈમરજન્સી મેડીકલ સેવા હેઠળ પ્રતિ માસ સરેરાશ 42 લાખ કિ.મીનું સંચાલન કરવામાં આવે છે. આ સેવાની ગુણવત્તા તેમજ પ્રતિસાદ સમય જાળવી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. 108 સેવાનો વ્યાપ, એમ્બ્યુલન્સના કાફલાની કાર્યક્ષમતા અને ગુણવતા વધે તે માટે જૂની થયેલ એમ્બ્યુલન્સોને બદલવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ નવી એમ્બ્યુલન્સોની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. આ અનુસંધાને જૂની થયેલ એમ્બ્યુલન્સોને તબદીલ કરવા માટે કુલ-૫૦ નવી એમ્બ્યુલન્સોનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની વિશેષતા વિશે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, એમ્બ્યુલન્સ અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જાય છે અને સમયનો બચાવ થાય છે પરિણામે ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 4200 થી 4400 જેટલા દર્દીઓને કટોકટીના સમયે સેવા પૂરી પાડવામાં આવે છે.