ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વિવિધ વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, જેમાં નાણાં, ઊર્જા, પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા, સહકાર વગેરેના પ્રશ્નો સામેલ હતા. આ તકે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાના મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો.
500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે
વિધાનસભામાં અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. અન્ય ભાજપ શાસિત રાજ્યો જેમ કે હરિયાણા અને રાજસ્થાનમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે, તો ગુજરાતમાં પણ આવી જ યોજના અમલમાં મુકવામાં આવે. આ પ્રશ્નના જવાબમાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું કે, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં 14.2KG ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 810.50 રૂપિયા છે, જ્યારે 19KG કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1,816 રૂપિયામાં મળે છે. જયારે બીજા રાજ્યોની વાત કરીએ તો હાલમાં રાજસ્થાન અને હરિયાણામાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો વચન આપ્યું હતું. ગુજરાત સરકાર હવે આ મુદ્દે શું નિર્ણય લેશે, તે જોવાનું રહેશે.
