નવી દિલ્હીઃ સરકાર દ્વારા GST દરોમાં ઘટાડો કર્યા પછીના એક જ દિવસે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો દ્વારા કરાયેલા ખર્ચમાં અચાનક જ ભારે વધારો જોવા મળ્યો હતો. RBIના આંકડા મુજબ માત્ર ક્રેડિટ કાર્ડ મારફતે ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન 22 સપ્ટેમ્બરે એક જ દિવસે લગભગ છ ગણા વધી 10,411 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા છે.
દેશમાં 21 સપ્ટેમ્બરે આશરે 36.16 લાખ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં માત્ર ,514 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા, પરંતુ GSTમાં રાહત મળતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને બીજા જ દિવસે ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને આશરે 95 લાખ સુધી પહોંચી ગઈ હતી. 23 સપ્ટેમ્બરે પણ ખરીદીની ગતિ મજબૂત રહી અને આશરે 70 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા, જેમાં ક્રેડિટ કાર્ડથી ગ્રાહકોએ અંદાજે 7274 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકો ખરીદી કરતા અટકતા નહોતા અને ખૂબ જ ઉત્સુક હતા.
RBIના આંકડા મુજબ, પોઇન્ટ-ઓફ-સેલ (POS) ટ્રાન્ઝેક્શન 22 સપ્ટેમ્બરે અગાઉના દિવસના 1106 કરોડ રૂપિયાથી વધી 2533 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા, એટલે કે  બે ગણા કરતાં પણ વધુ લેવડદેવડ થઈ.
ડેબિટ કાર્ડથી થતો ખર્ચ પણ વધ્યો
સૌથી ખાસ વાત એ હતી કે આ તેજી માત્ર ક્રેડિટ કાર્ડ સુધી સીમિત નહોતી. ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા થતી ખરીદીમાં પણ ઉછાળો જોવા મળ્યો. 21 સપ્ટેમ્બરે ડેબિટ કાર્ડ મારફતે માત્ર 193 કરોડ રૂપિયાની જ ખરીદી થઈ હતી. જ્યારે 22 સપ્ટેમ્બરે આ ખર્ચ ચાર ગણા વધી ગયો — હા, 14.33 લાખ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 814 કરોડ રૂપિયા ખર્ચાયા. તેની પાછળનું મુખ્ય કારણ હતું GSTમાં કપાત બાદ તહેવારોમાં દેશભરમાં લોકો દ્વારા ધડાધડ કરવામાં આવેલી ખરીદી હતી.
RBIના આંકડા મુજબ UPI પ્લેટફોર્મ મારફતે કરાયેલા પેમેન્ટ્સ પણ 22 સપ્ટેમ્બરે વધીને 82,477 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા, જ્યારે એક દિવસ પહેલાં એ 60,320 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા.
 
         
            

