જૂનમાં GST કલેક્શન વધીને રૂ. 1.85 લાખ કરોડ રહ્યું

નવી દિલ્હીઃ સરકારે ગયા મહિનાના એટલે કે જૂન, 2025નું GST કલેક્શન જાહેર કર્યું છે. સરકારી આંકડાઓ અનુસાર જૂન, 2025માં કુલ માલ અને સેવા કર (GST) વસૂલાત વર્ષ-દર-વર્ષ આધાર પર 6.2 ટકાથી વધીને રૂ. 1.85 લાખ કરોડ થઈ ગઈ છે, જ્યારે મે, 2025માં GST કલેક્શન 16.4 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 2,01,050 કરોડ નોંધાયું હતું.

પાંચ વર્ષમાં બેગણું થયું ગ્રોસ GST કલેક્શન
દેશમાં ગ્રોસ GST કલેક્શન છેલ્લાં પાંચ વર્ષમાં બે ગણી વધીને આર્થિક વર્ષ 2024-25માં રૂ. 22.08 લાખ કરોડના સર્વોત્તમ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જે કે આર્થિક વર્ષ 2021માં રૂ. 11.37 લાખ કરોડ હતું. આ ગ્રોસ GST વસૂલાતમાં ગયા આર્થિક વર્ષની તુલનામાં 9.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

2025ના આર્થિક વર્ષમાં સરેરાશ માસિક GST વસૂલાત રૂ. 1.84 લાખ કરોડ રહી છે, જે 2024ના આર્થિક વર્ષમાં રૂ. 1.68 લાખ કરોડ અને 2022માં રૂ. 1.51 લાખ કરોડ હતી. છેલ્લાં આઠ વર્ષમાં GST હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 2017માં 65 લાખ હતી, જે હવે વધીને 1.51 કરોડથી પણ વધુ થઈ ગઈ છે – જે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

સરકારને એપ્રિલ, 2025માં GST વસૂલાત રૂ. 2.37 લાખ કરોડ થઈ હતી. વાર્ષિક ધોરણે એમાં 12.6 ટકાનો વધારો થયો હતો. આ GST ક્લેક્શન એક રેકોર્ડ છે.