અમદાવાદ: યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં કલા, પરંપરા અને વારસાની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ સપ્તાહ દરમિયાન ૧૨ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર ‘ભદ્ર ફેસ્ટિવલ’ અને ‘વોટર હેરિટેજ સિરીઝ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
૧. ભદ્ર ફેસ્ટિવલ (૧૯ નવેમ્બર ૨૦૨૬): વર્ષ ૨૦૧૪ પછી પ્રથમ વખત ભદ્ર વિસ્તારમાં આ યોજાનાર આ ફેસ્ટિવલમાં નાથુલાલ સોલંકીનું નગારા વાદન, સિદી ધમાલ, મલ્લખંબ, રાવણહથ્થા અને નાટ્યસંગીતની પ્રસ્તુતિ જોવા મળશે. દાદી પુદુમજીના પપેટ થિયેટર દ્વારા વિશાળ કઠપૂતળીઓની પરેડ, દાસ્તાન-એ-દરવાજા અને ભદ્રાખ્યાન જેવા વાર્તાકથનના કલાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ભદ્ર કિલ્લો અને પ્રેમાભાઈ હોલ ખાતે તસવીરો અને ગુજરાતી થિયેટરના લિવિંગ આર્કાઇવ્સના પ્રદર્શનો પણ યોજાશે.
સાંજે ત્રણ દરવાજા ખાતે ભવ્ય સંગીત સમારોહ યોજાશે, જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી, જ્યોર્જ બ્રૂક્સ, શેલ્ડન ડિસિલ્વા, અરુણ કુમાર તથા પંડિત શુજાત ખાન (સિતાર વાદન) જેવા ખ્યાતનામ કલાકારો સંગીતની સુરાવલીઓ રેલવશે. આ કાર્યક્રમનું સંચાલન માનવ ગોહિલ કરશે.
૨. વોટર હેરિટેજ સિરીઝ (૨૫ નવેમ્બર ૨૦૨૬): અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં પરોઢથી સાંજ સુધી સંગીત, કાવ્ય અને નૃત્યની રમઝટ બોલશે:
-
વાવ સૂર (જેઠાભાઈની વાવ – સવારે ૬:૩૦ વાગ્યે): પંડિત જયતીર્થ મેવુન્ડી દ્વારા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગાયન રજૂઆત.
-
વાવ વાર્તા (અમૃતવર્ષિણી વાવ – સવારે ૧૧:૦૦ વાગ્યે): સૌમ્ય જોશી અને અનિલ ચાવડાનું કાવ્યપાઠ તથા પ્રાચી સાથીની ભરતનાટ્યમ રજૂઆત.
-
વાવ તરંગ (દાદા હરીરની વાવ – સાંજે ૭:૦૦ વાગ્યે): ઉસ્તાદ ફઝલ કુરેશી, દિલશાદ ખાન, સાસ્કિયા રાવ, ડેરા ખાન અને હિમાલી વ્યાસ નાયક દ્વારા જુગલબંધી સંગીત સમારોહ.
આ બંને કાર્યક્રમોમાં તમામ નાગરિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, પરંતુ બેઠક વ્યવસ્થા માટે બુકમાયશો (BookMyShow) પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.




