સમગ્ર દેશમાં 11 મેના રોજ નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ GUJCOST (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) અને IPR( ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રીસર્ચ) ના સહયોગથી નેશનલ ટેક્નોલોજી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
‘ટેક્નોલોજીસ ફોર વિકસિત ભારત’ની થીમ પર ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રદર્શન સાથે ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ઓડિટોરિયમમાં પ્લાઝમા ટેક્નોલોજી, ફ્યુઝન ટેક્નોલોજી અને પ્લાઝમા એપ્લિકેશન અંગેના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવતા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત સાયન્સ ડોમ ખાતે IPR દ્વારા 30 જેટલા પ્રદર્શનો પણ રાખવામાં આવ્યા હતા. જ્યાં વોલેન્ટિયર્સ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં પ્લાઝમાના ઉપયોગ અને તેની વિશેષતા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા લોકોએ આ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થનારા વિદ્યાર્થીઓ અને લોકોને ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની વિવિધ ગેલેરીની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.
મહત્વનું છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને રસ ધરાવતા લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રૂચિ વધે અને ટેક્નોલોજીના સદુપયોગથી સમાજ અને દેશનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.