Grammy Awards 2025:એવોર્ડ મેળવનાર ભારતીય-અમેરિકી આર્ટિસ્ટ ચંદ્રિકા ટંડન કોણ છે?

ભારતીય-અમેરિકન કલાકાર ચંદ્રિકા ટંડને તેમના આલ્બમ ત્રિવેણી માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ યા ચૅન્ટ આલ્બમ કેટેગરીમાં તેમનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. તેણીએ પહેલા પણ ગ્રેમીમાં નામાંકન મેળવ્યું છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેણીએ એવોર્ડ જીત્યો હોય. ચંદ્રિકાએ તેના પાટનર્સ, દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન્સ અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે આ એવોર્ડ મેળવ્યો. ચંદ્રિકા પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીની મોટી બહેન છે.

ચંદ્રિકા ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા
ગ્રેમી એવોર્ડ્સ 2 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસના Crypto.com એરેના ખાતે યોજાયો હતો. ચંદ્રિકા ટંડન અહીં ભારતીય પરંપરાગત પોશાક પહેરીને પહોંચ્યા હતા. તેણીએ સુંદર સિલ્ક સલવાર સૂટ પહેર્યો હતો અને સ્ટેટમેન્ટ નેકલેસથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તે ભારતીય મૂળના થોડા કલાકારોમાંના એક હતા જેમને વિવિધ શ્રેણીઓમાં નામાંકન મળ્યું હતું.

ગ્રેમી જીત્યા પછી ચંદ્રિકાએ શું કહ્યું?
ચંદ્રિકા ટંડન વિશે વાત કરીએ તો, સંગીતકારનો જન્મ અને ઉછેર ચેન્નાઈમાં થયો છે. એવોર્ડ જીત્યા પછી રેકોર્ડિંગ એકેડેમી સાથે બેકસ્ટેજ પર વાત કરતા ચંદ્રિકા ટંડને પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું, “આ અદ્ભુત લાગે છે.” તેણીએ ઉમેર્યુ કે, “મારી સાથે કેટલાક અન્ય મહાન અને અદ્ભુત સંગીતકારો પણ નોમિનેટ થયા હતા. અમારા માટે, આ જીતવું ખૂબ જ યાદગાર ક્ષણ છે.”

અન્ય ભારતીય મૂળના ઉમેદવારો પર વિજય
બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ યા ચૅન્ટ આલ્બમ કેટેગરીમાં, રિકી કેજનું બ્રેક ઓફ ડોન, ર્યુઇચી સાકામોટોનું ઓપસ, અનુષ્કા શંકરનું ચેપ્ટર II: હાઉ ડાર્ક ઇટ ઇઝ બિફોર ડોન અને રાધિકા વેકરિયાનું વોરિયર્સ ઓફ લાઈટ પણ નોમિનેટ થયા હતા. તેમને પાછળ છોડીને, ચંદ્રિકા ટંડને ત્રિવેણી માટે એવોર્ડ જીત્યો.