નવી દિલ્હીઃ સરકારે પીક કલાકોમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવા કેબ એગ્રિગેટર્સને બેઝ ભાડાના દોઢાને બદલે હવે બે ગણા સુધી ભાડાં વસૂલવાની મંજૂરી આપી છે. અગાઉ પિક કલાકોમાં તેઓ બેઝ ભાડાં કરતાં 1.5 ગણો ચાર્જ કરી શકતા હતા.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા જાહેર કરવામાં આવેલા સુધારેલા “મોટર વેહિકલ એગ્રિગેટર માર્ગદર્શિકા, 2025” મુજબ, પીક કલાકો સિવાય એગ્રિગેટર ઓછામાં ઓછું બેઝ ભાડાનું 50 ટકા ભાડું લઈ શકે છે.
આ નવા નિયમોમાં જણાવાયું છે કે જે પણ કેટેગરી કે વર્ગના મોટર વાહન માટે રાજ્ય સરકારે નક્કી કરેલું ભાડું છે, તે જ એગ્રિગેટર દ્વારા ગ્રાહક પાસેથી વસૂલાતું બેઝ ફેર ગણાશે. રાજ્ય સરકારોને ત્રણ મહિનાની અંદર આ નવા નિયમો લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.નવી માર્ગદર્શિકાઓ અનુસાર ડેડ માઈલેજ એટલે કે મુસાફર વગર કવર કરેલા અંતર અને મુસાફર લેવા માટે વપરાયેલું ઇંધણ, તેમ જ કુલ મુસાફરીના અંતરને ધ્યાને લઇને બેઝ ભાડું ઓછામાં ઓછું ત્રણ કિમી માટે વસૂલવામાં આવશે.
આમાં વધુમાં જણાવાયું છે કે કોઈ પણ મુસાફર પાસેથી ડેડ માઈલેજ માટે અલગથી ભાડું વસૂલવું નહિ જોઈએ, સિવાય એ પરિસ્થિતિમાં કે જ્યારે મુસાફરી માટેની કુલ અંતર ત્રણ કિમીથી ઓછું હોય. ભાડું માત્ર મુસાફરીના શરૂ થતા પોઈન્ટથી મુસાફરને છોડવામાં આવેલા સ્થાન સુધીના અંતર માટે જ લેવામાં આવશે.
મોટર વેહિકલ ચલાવતા ડ્રાઈવરને એગ્રિગેટર દ્વારા લાગુ થયેલા ભાડામાંથી ઓછામાં ઓછું 80 ટકા ચૂકવવું ફરજિયાત રહેશે, જેમાં તમામ ખર્ચ સામેલ હશે. બાકીની રકમ એગ્રિગેટર દ્વારા વિભાજિત ભાડા તરીકે રાખી શકાશે. ડ્રાઈવર અને એગ્રિગેટર વચ્ચેના કરાર અનુસાર આ ચુકવણી દૈનિક, સાપ્તાહિક અથવા પંદર દિવસને આધારે થઈ શકે છે, પણ એ કરતાં વધુ સમય સુધી રોકી શકાય નહિ.
એગ્રિગેટર દ્વારા માલિકી ધરાવતાં વાહનો માટે એવું પણ જણાવાયું છે કે,તેમાં કામ કરતો ડ્રાઈવર લાગુ પડતાં ભાડાનું ઓછામાં ઓછું 60 ટકા મેળવશે, જેમાં તમામ ખર્ચ સામેલ હશે અને બાકીની રકમ અંદાજિત ભાડા તરીકે રહેશે.
