વૈશ્વિક અર્થવ્યવસ્થા ડામાડોળ હોવા છતા ભારત સારી સ્થિતિમાં : SBI

અમેરિકા સહિત વિશ્વભરના દેશો ચાલુ વર્ષમાં મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોના જીવન ખર્ચમાં જબરદસ્ત વધારો થયો છે, પરંતુ ભારત સુખદ પરિસ્થિતિ વચ્ચે મક્કમ ઊભું રહ્યું છે. આ વાતો SBIના રિસર્ચ રિપોર્ટ Ecowrap માં કહેવામાં આવી છે.

આ રિપોર્ટ તૈયાર કરનાર SBI ગ્રુપના ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી સારો શબ્દ અસ્થાયી રૂપે ગાયબ થઈ ગયો હોય તેવું લાગે છે. અને વર્તમાન અનિશ્ચિતતાએ દેશોને મુશ્કેલીઓમાં મૂક્યા છે. પરંતુ સારી વાત એ છે કે આ અનિશ્ચિતતા છતાં ભારત સુખદ સ્થિતિમાં છે.

SBIના આ રિસર્ચ રિપોર્ટમાં રૂપિયાને ડીનોમિનેટર તરીકે ધ્યાનમાં લઈને ભારત, અમેરિકા, યુકે અને જર્મનીના જીવન ખર્ચની સરખામણી કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સપ્ટેમ્બર 2021માં તમામ દેશોના ઘરનું બજેટ અથવા રહેવાની કિંમત 100 રૂપિયા હતી તો ભારત અને અમેરિકામાં તેમાં 12 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ જર્મનીમાં રૂ.20 અને યુકેમાં રૂ.23નો વધારો થયો છે.

 

રિપોર્ટ અનુસાર, ખાદ્ય ચીજોની કિંમતોની વાત કરીએ તો સપ્ટેમ્બર 2021માં આ ચાર દેશોમાં જે વસ્તુઓ 100 રૂપિયામાં મળતી હતી તે હવે અમેરિકામાં 28 રૂપિયા, યુકેમાં 18 રૂપિયા અને જર્મનીમાં 33 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જ્યારે ભારતમાં માત્ર 15 રૂપિયા મોંઘા થયા છે.

આ સમયગાળા દરમિયાન, જીવન ખર્ચ યુએસમાં રૂ. 21, યુકેમાં રૂ. 30, જર્મનીમાં રૂ. 21 અને ભારતમાં માત્ર રૂ. 6 મોંઘો થયો છે. આ સમયગાળા દરમિયાન ઇંધણની કિંમત ભારતમાં રૂ. 16 અને યુએસમાં રૂ. 12 મોંઘી થઇ છે. જ્યારે યુકેમાં રૂ. 93 અને જર્મનીમાં રૂ. 62 મોંઘો થયો છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક કટોકટી પછી જીવન ખર્ચનું સ્તર નીચે આવ્યું છે, પરંતુ ભારત અન્ય દેશોની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યું છે.