ઘૂડખર અભયારણ્ય માનવ અને વન્ય-પ્રાણીના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું સરનામું
અમદાવાદ: 1973 અને 1978 બંન્ને વર્ષમાં મળીને કચ્છના નાના રણમાં કુલ 4953.70 ચો.કી.મી. વિસ્તારને ઘૂડખર અભયારણ્ય જાહેર કરવામા આવ્યુ હતું. એ સમયએ રણમાં ઘૂડખરની સંખ્યા માત્ર 700ની આસપાસ હતી. જ્યારે તાજેતરની ઘૂડખરની વસ્તી-ગણતરીના જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ આ સંખ્યા વધીને 7,672ને પાર થઈ ગઈ છે.કચ્છનું નાનું રણ એક બેજોડ પર્યાવરણીય વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. ચોમાસાના ચાર મહિના તે 5000 ચો.કી.મી.નું ભાંભરા પાણીનું સરોવર બને છે. ઓક્ટોબર મહિના બાદ પવનની દિશા બદલાતા પાણી માળીયાના ક્રિકમાંથી કચ્છના અખાતમાં વહી જાય છે. પછી બાકીના 8 મહિના માટે આ પ્રદેશ સૂકા ભટ રણમાં ફેરવાઈ જાય છે. આ જ રણ પ્રદેશની આબોહવા ઘૂડખરને અનુકૂળ આવે છે અને તેથી તે અહીં પાંગરી રહ્યા છે.વર્ષ 2016થી આ અભયારણ્યમાં વર્લ્ડ બેંકના સહાયથી BCLRIP નામનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રણની જૈવ વિવિધતાના રક્ષણ અને સંવર્ધન તેમજ રણકાંઠાના સમુદાયો (અગરિયા, માલધારી, માછીમારો અને ખેડૂતો)ના આજીવિકાના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો ઘૂડખર અભયારણ્ય વિભાગ દ્વારા હાથ ધરાયા હતા. અગરિયા સમુદાય માટે કાયર્રત સંસ્થા ‘અગરિયા હિતરક્ષક મંચ’ના કહેવા અનુસાર, “વર્ષ 2014માં ઘૂડખરની સંખ્યા 4,451 હતી. જે 2019માં 6,082 થઈ અને હવે 7,672 થઈ છે. અભયારણ્યમાં રક્ષિત પ્રાણીની વસ્તીમાં 10 વર્ષમાં 3,221 જેટલો (70%) વધારો થવો એ ખુબ જ પ્રેરક અને આવકારદાયક બાબત છે. રણમાં અગરિયાઓ અને ઘૂડખર સાથે વસે છે. કચ્છનું નાનું રણ 5000 ચો. કિ.મી.નો વિશાળ વિસ્તાર છે. ઘૂડખરના સફળ સંવર્ધનનો શ્રેય વન-વિભાગ ઉપરાંત રણ કાંધી પર વસતા સમુદાયોને પણ જાય છે. રણમાં બેટ વિસ્તારને બાદ કરતા આખા રણમાં ઘાસનુ તણખલું પણ ઉગતું નથી. તેથી ખોરાક માટે ઘૂડખર રણ કાંધીના જંગલો તેમજ ખેતરો પર નિર્ભર હોય છે. રણકાંધીના 4 જિલ્લાના 6 તાલુકાના સૂંકા પ્રદેશના માનવીના મનમાં આ વન્ય જીવ માટે અપાર કરૂણા અને લાગણી છે. સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ સ્ટડી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર રણ કાંધી પરના સમુદાયો સિઝન દર સિઝન તેમના ખેત પેદાશની 15 થી 20% સુધીનો હિસ્સો વન્ય પ્રાણીઓ માટે જતું કરતા આવ્યા છે. તેઓ એવુ માને છે કે, “માણસ તો માગીને પણ ખાઈ શકે, ઘૂડખર ક્યાં જાય ? એના ભાગ્યનું એ ખાય.”નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા લેવામાં આવેલ એક સુઓ-મોટો પિટિશન દરમિયાન ઘૂડખર અભયારણ્યના નાયબ વન સરંક્ષકની કચેરી તરફથી રજૂ કરવામાં આવેલ જવાબમાં પણ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વન વિભાગે કહ્યું છે કે “છેલ્લાં કેટલાંક વર્ષોમાં અગરિયાની સંખ્યા વધી છે, તેની સાથે સાથે ઘૂડખરની સંખ્યા પણ સતત વધી ગઈ છે, જે દર્શાવે છે કે, મીઠાની ખેતીની ઘૂડખર પર કોઈ અવળી અસર થયેલ નથી”.
વિશ્વસ્તરે IUCN નામની સંસ્થા ઘૂડખર જેવાં લુપ્ત થવાના આરે આવીને ઉભેલા વન્યપ્રાણીઓ અને તેની પ્રજાતિઓના સંવર્ધન અંગે સતત મોનિટરિંગ કરે છે. તેમના અહેવાલ મુજબ પણ ઘૂડખરની વસ્તી ભયજનક સ્તરે ઘટતી પ્રજાતિમાંથી હવે સ્થિર થઈ છે. જે એક સારી નિશાની સૂચવે છે.દુનિયામાં એક બાજુ અભયારણ્યમાં માનવ અને વન્ય પ્રાણી વચ્ચેના સંઘર્ષો વધતા જાય છે અને અવાર- નવાર આવા સંઘર્ષ અંગેના સમાચારો આપણે અખબારોમાં વાંચતા હોઈએ છીએ. ઘૂડખર અભયારણ્યમા છેલ્લાં 50 વર્ષમાં વન્ય-પ્રાણી બાબતે નોંધાયેલા કેસની સંખ્યા નિહવત છે, જે વન્ય
પ્રાણી અને સમુદાયનાં શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વને બતાવે છે. સમુદાય અને વન્ય પ્રાણીના આ સદીઓ જૂના સંબંધ અકબંધ રહે અને રણની ઇકોલોજી જળવાય રહે તે માટે ગ્લોબલ લર્નિંગ સાઈટ તરીકે ઘૂડખર અભ્યારણ્યને સમુદાય આધારિત સંવર્ધનના વૈશ્વિક મોડેલ દુનિયા સમક્ષ મૂકવું જોઈએ. ગુજરાત માટે આ કાયમ માટે ગૌરવની વાત બનશે.