રામનું અપમાન કરવા બદલ અભિનેત્રી વિરૂદ્ધ નોંધાઈ FIR

OTT પ્લેટફોર્મ Netflix પર બતાવવામાં આવી રહેલી ફિલ્મ ‘Annapoorani’ પર ભગવાન શ્રી રામનું અપમાન કરવાનો અને હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. મધ્યપ્રદેશના જબલપુરમાં ધાર્મિક લાગણીઓને ભડકાવવા બદલ હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને મુખ્ય અભિનેત્રી નયનથારા સહિત સમગ્ર સ્ટાર કાસ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

 

હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાણીએ કહ્યું કે Annapoorani ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે જે હિંદુ ધર્મના પૂજ્ય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું અપમાન કરે છે. ફિલ્મમાં ભગવાન શ્રી રામ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેસવાણીના મતે ફિલ્મમાં લવ જેહાદ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના કલાકાર દ્વારા એવું પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન પ્રાણીઓની હત્યા કરતા હતા અને માંસ ખાતા હતા.

FIR નોંધવામાં આવી 

હિંદુ સેવા પરિષદે મંગળવારે ફિલ્મ ‘Annapoorani’ને હિંદુ વિરોધી ગણાવીને જબલપુરના ઓમતી પોલીસ સ્ટેશનમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસે નીલેશ ક્રિષ્ના (નિર્દેશક), નયનથારા (કલાકાર), જતિન સેઠી (નિર્માતા), આર રવિન્દ્રન (નિર્માતા), પુનિત ગોઇકા (નિર્માતા), સારિક પટેલ અને મોનિકા શેરગિલ વિરુદ્ધ કલમ 153 અને 34 IPC હેઠળ કેસ નોંધ્યો છે.