ખેડૂતોનો વિરોધ : પંજાબ-હરિયાણા બોર્ડર પર ઈન્ટરનેટ સેવા બંધ

ત્રણ કેન્દ્રીય મંત્રીઓ તેમની માંગણીઓને લઈને આજે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે બેઠક કરશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે સાંજે 5 વાગ્યે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ અંગે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર વચ્ચે બેઠકનો આ ત્રીજો રાઉન્ડ હશે. આ પહેલા બંને પક્ષો વચ્ચે બે બેઠકો અનિર્ણિત રહી હતી.

સરકાર અમને મણિપુરની જેમ કચડી નાખવા માંગે છેઃ ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર

મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો ઉલ્લેખ કરતા પંઢેરે આરોપ લગાવ્યો કે સરકાર ‘મણિપુરની જેમ અમને (ખેડૂતો) કચડી નાખવા માંગે છે.’ તેમણે કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે વડા પ્રધાને સમિતિમાં સમાવિષ્ટ ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથે વાત કરવી જોઈએ.  તેમણે કહ્યું, કાં તો અમારી માંગણીઓ સ્વીકારો અથવા અમને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપો.

પંજાબ-હરિયાણા બોર્ડર પર ઈન્ટરનેટ સેવા બંધ – કેન્દ્રનો આદેશ

ખેડૂતોના આંદોલનને જોતા કેન્દ્ર સરકારે પંજાબ-હરિયાણા બોર્ડર પર ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. પટિયાલા જિલ્લાના પીએસ શત્રાણા, સમાના, ઘનૌર, દેવીગઢ, બલભેરા અને સંગરુર જિલ્લાના પીએસ ખનૌરી, માનુક, લેહરા, સુનામ, છજલી અને ફતેહગઢ સાહિબમાં 16મી ફેબ્રુઆરીની રાત સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.