લોસ એન્જેલીસઃ દર વર્ષે હોલીવુડની ફિલ્મો માટે પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ્સ આપનાર એકેડેમી એવોર્ડ્સ દ્વારા આ વર્ષે એક નવી કેટેગરી શરૂ કરવામાં આવી છેઃ ‘ફેન ફેવરિટ’. ઓસ્કર એવોર્ડ માટે નામાંકન મેળવવામાં ‘નો ટાઈમ ટુ ડાઈ’, ‘સ્પાઈડર-મેન: નો વે હોમ’ જેવી અનેક હિટ ફિલ્મો નિષ્ફળ ગયા બાદ આયોજકોએ આ નિર્ણય લીધો છે. તાજેતરના વર્ષોમાં ટીવી પર ઓસ્કર એવોર્ડ્સ કાર્યક્રમના દર્શકોની સંખ્યામાં ઘટાડો થવાને પગલે પણ આયોજકોએ ફેન ફેવરિટ કેટેગરી ઉમેરવાનો નિર્ણય લીધો હોય એવું બની શકે છે. નવી કેટેગરીમાં, ટ્વિટર યૂઝર્સ 2021માં રિલીઝ થયેલી કોઈ પણ ફિલ્મ માટે ટ્વિટર હેશટેગ #OscarsFanFavourite દ્વારા અથવા એવોર્ડ શોની સત્તાવાર વેબસાઈટ પર આવીને મત આપી શકશે. ત્રીજી માર્ચ સુધીમાં જે ફિલ્મને સૌથી વધારે મત મળશે એને એવોર્ડ શોના પ્રસારણ વખતે એવોર્ડ આપવામાં આવશે.
વધુમાં, 14 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે મત આપનાર ત્રણ ટ્વિટર યૂઝરને 2023ના ઓસ્કર એવોર્ડ સમારંભમાં એક ઓસ્કર એવોર્ડ એનાયત કરવાનું બહુમાન આપવામાં આવશે. એ માટે ત્રણેય ટ્વિટર યૂઝરને લોસ એન્જેલીસમાં આમંત્રિત કરાશે અને એમની તે ટ્રિપનો તમામ ખર્ચ આયોજકો ભોગવશે.
94મો એકેડેમી એવોર્ડ્સ સમારંભ આવતી 27 માર્ચે યોજાવાનો છે.